<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ગોંડલના અલખના ચબૂતરા પાસેથી ૧.૨૫ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: ૧૨ મોબાઇલ અને બાઇક સાથે રીઢો ગુનેગાર ઝડપાયો

ગોંડલ સીટી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને રૂ. ૨.૦૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યો, આરોપી સામે અગાઉ પણ ૬ ગુના નોંધાયેલા

ગોંડલ તા.૨૫ : ગોંડલ શહેરના અલખના ચબૂતરા પાસે આવેલા એક ઝૂંપડામાંથી તાજેતરમાં કપડાંનો થેલો અને તેમાં રાખેલા રોકડા રૂ. ૧,૨૫,૦૦૦ની ચોરી થવાની ઘટના સામે આવી હતી. આ મામલે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ ૩૦૫(એ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે સીસીટીવી ફુટેજ તથા ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલી રોકડ, ૧૨ નંગ મોબાઇલ અને મોટરસાઇકલ મળી કુલ રૂ. ૨,૦૪,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા મિલકત વિરુદ્ધના ગુનાઓ ત્વરિત ઉકેલવા અપાયેલી સૂચના અન્વયે ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પી.આઈ. જે.આર. ઝાલાની ટીમે સર્વેલન્સ સ્કોડની રચના કરી તપાસ હાથ ધરી હતી. સ્ટાફે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ચકાસીને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી હતી.

સઘન તપાસ દરમિયાન ગોંડલના ભગવતપરા, વાછરા રોડ, ધારેશ્વરનગરમાં રહેતા સાહિલ ઉર્ફે બારોટ રમેશભાઈ ચૌહાણ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછ અને તપાસમાં આરોપી પાસેથી ચોરીમાં ગયેલી રોકડ રકમ પૈકી રૂ. ૧,૦૨,૧૦૦ રોકડા, રૂ. ૨૦,૦૦૦ની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ તથા અલગ-અલગ કંપનીના ૧૨ નંગ સ્માર્ટફોન (કિંમત રૂ. ૮૨,૦૦૦) મળી આવ્યા હતા, જે તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ઝડપાયેલો આરોપી સાહિલ ઉર્ફે બારોટ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો રીઢો ગુનેગાર છે. તેની સામે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન (દારૂબંધી), લૂંટ/ચોરી, ધમકી આપવી અને જી.પી. એક્ટ સહિતના કુલ ૬ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ કામગીરી પી.આઈ. જે.આર. ઝાલા, પી.એસ.આઈ. વી.કે. સુરાણી તથા સર્વેલન્સ ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી.(તસ્વીર: ભાવેશ ભોજાણી-ગોંડલ)

(9:41 AM IST)