તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
દિલ્હીમાં 21 જૂને અખિલ ભારતીય કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન: પૂર્વ તૈયારીના ભાગરૂપે ભાવનગરમાં બેઠક યોજાઇ
. દિલ્હીમાં યોજાનારા 12માં અધિવેશનમાં સમગ્ર ભારતમાંથી 5,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. રાષ્ટ્રીય અધ્યક્ષે આશા વ્યક્ત કરી કે અધિવેશનમાં મહિલાઓની સંખ્યા રેકોર્ડબ્રેક રહે, જેથી સામાજિક પરિવર્તનનો પાયો મજબૂત કરી શકાય.

ભાવનગર :આગામી તા. 21 જૂનના રોજ નવી દિલ્હીના પ્રતિષ્ઠિત તાલકટોરા સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક સંમેલનના આયોજન અને પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભાવનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના રાષ્ટ્રીય પ્રમુખ વીરેન્દ્ર કશ્યપનું પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન રાષ્ટ્રીય પ્રમુખ વીરેન્દ્ર કશ્યપે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય કોળી સમાજ એ દેશનું સૌથી જૂનું અને વિશાળ સંગઠન છે. આ સંસ્થાનું ગૌરવ એ વાત પરથી જ સમજી શકાય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ બે વાર આ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે. અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ્ય કોળી સમાજના પ્રશ્નોને કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે અસરકારક રીતે રજૂ કરી તેનું નિરાકરણ લાવવાનો છે. ખાસ કરીને સમાજમાં શિક્ષણનું સ્તર વધે અને મહિલા સશક્તિકરણને વેગ મળે તે માટે તેમણે ભાર મૂક્યો હતો.
વીરેન્દ્ર કશ્યપે સમાજના ઉત્થાન માટે આહવાન કર્યું હતું કે કોળી સમાજમાંથી વધુમાં વધુ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો બને તે જરૂરી છે. દિલ્હીમાં યોજાનારા 12માં અધિવેશનમાં સમગ્ર ભારતમાંથી 5,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. રાષ્ટ્રીય અધ્યક્ષે આશા વ્યક્ત કરી હતી કે આ સંમેલનમાં મહિલાઓની સંખ્યા રેકોર્ડબ્રેક રહે, જેથી સામાજિક પરિવર્તનનો પાયો મજબૂત કરી શકાય.
આ બેઠકમાં કોળી સમાજ પર થતા હુમલાઓ અંગે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણભાઈ કોળીએ ગુજરાતમાં વારંવાર કોળી સમાજના લોકો પર થતા હુમલાઓની ઘટનાઓ અંગે વીરેન્દ્ર કશ્યપનું ધ્યાન દોર્યું હતું અને આ મુદ્દે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની માંગ કરી હતી. આ બેઠકમાં મહિલા વિંગના રાષ્ટ્રીય મહામંત્રી રીટાબેન આલાણી, રાષ્ટ્રીય ઉપપ્રમુખ પ્રવિણભાઈ કોળી સહિતના અનેક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
