તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
મોરબીમાં ટ્રેક્ટરની ટક્કરે 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત, ત્રણ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત.
ટીંબડી પાટીયા નજીક આરસીસી રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત: પૂરપાટ આવતા ટ્રેક્ટરે બાઈકને મારી ટક્કર.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં ટીંબડી પાટીયા નજીક શિવાજી ટ્રાન્સપોર્ટ સામે આજે સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા એક ટ્રેક્ટર ચાલકે બેફિકરાઈથી ટ્રેક્ટર ચલાવીને મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચલાવી રહેલા 13 વર્ષીય વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર અન્ય ત્રણ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના પીપળી ગામે શિવપાર્ક સોસાયટી-2 માં રહેતા અને રવાપર-ઘુનડા રોડ પર કૈલાશ પાઉંભાજી નામની દુકાન ચલાવતા રાધેશ્યામભાઈ સોકસિંહ રાવત (ઉ.વ. 39) એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમનો 13 વર્ષીય પુત્ર રામચંદ્ર આજે સવારે તેના મિત્રો આર્યન મનિષભાઈ ગેડીયા (ઉ.વ. 15), પ્રિન્સ પ્રકાશભાઈ જોષી (ઉ.વ. 14) અને રાજદીપ નટવરભાઈ ભાભોર (ઉ.વ. 14) સાથે એક જ મોટરસાયકલ (નંબર GJ-36-AH-6710) પર સવાર થઈને પીપળીની સ્વસ્તિક હાઈસ્કૂલ ખાતે જઈ રહ્યા હતા.
સવારના આશરે પોણા આઠેક વાગ્યાની આસપાસ તેઓ પીપળી-ટીંબડી પાટીયા આરસીસી રોડ પર શિવાજી ટ્રાન્સપોર્ટ સામેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતા ટ્રેક્ટર (નંબર GJ-20-AQ-3255) ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને મોટરસાયકલને ધડાકાભેર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં બાઇક ચલાવી રહેલા રામચંદ્રને માથાના અને જમણા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
જ્યારે બાઇક પર પાછળ બેઠેલા આર્યનને જમણા પગે ફ્રેક્ચર અને શરીર પર છોલછાલ થઈ હતી. આ ઉપરાંત પ્રિન્સ અને રાજદીપને પણ શરીર પર મુંઢ ઈજાઓ પહોંચી હતી. ત્રણેય ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના અંગે રાધેશ્યામભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ટ્રેક્ટર નંબર GJ-20-AQ-3255 ના ચાલક વિરુદ્ધ B.N.S. કલમ 281, 106(1), 125(a), 125 (b) તેમજ મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે પરિવારમાં અને શાળામાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
