<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

પાટડી પંથકમાં ટ્રકમાંથી દારૂની ૧૪૭૪૨ બોટલ કબ્‍જે

૫૫ લાખનો મુદામાલ જપ્‍તઃ સુરેન્‍દ્રનગર LCBની મોટી કાર્યવાહીઃ આઇસરમાં ચોરખાનુ બનાવેલઃ આટલી મોટી ખેપ કયાંથી આવી! ભારે ચર્ચા

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૩: સુરેન્‍દ્રનગરજિલ્લામાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્‍યારે તાજેતરમાં LCB ને મોટી સફળતા હાથ લાગી છે. પાટડી તાલુકાના કચોલિયા ગામની સીમમાં આઈસર ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ટ્રકમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્‍થો પકડી પાડી પોલીસ તંત્રએ બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

સુરેન્‍દ્રનગર LCBની ટીમે ટ્રકની તલાશી લેતા તેમાંથી કુલ ૧૪,૭૪૨ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. વિદેશી દારૂનો આ મસમોટો જથ્‍થો અને ટ્રક મળીને અંદાજે કુલ રૂ. ૫૫ લાખ ૮૬ હજારથી વધુનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્‍જે કરવામાં આવ્‍યો છે. દારૂની આટલી મોટી ખેપ કયાંથી આવી અને કોને પહોંચાડવાની હતી, તે દિશામાં પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણમાં ટ્રક ચાલક અને માલિક સહિત કુલ ચાર શખ્‍સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, આ કેસમાં સંડોવાયેલ એક આરોપી પોલીસની પકડમાંથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે, જેને ઝડપી પાડવા માટે સુરેન્‍દ્રનગર LCB ની અલગ-અલગ ટીમો દ્વારા સઘન શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

આ સમગ્ર મામલે બજાણા પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરેન્‍દ્રનગર જિલ્લામાં દારૂબંધી હોવા છતાં આ રીતે ટ્રકમાં ચોરખાનું બનાવીને કરાતી હેરાફેરીએ અનેક સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ આ આખા નેટવર્કને તોડવા માટે આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે, જેથી દારૂના આ મોટા વેપલામાં બીજા કોણ કોણ સંડોવાયેલું છે તેની વિગતો બહાર આવી શકે

(10:47 AM IST)