<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ગોહિલવાડમાં ૧ થી ૬ ઇંચ વરસાદ

ભાવનગર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગઃ વલ્લભીપુરમાં ૬ ઇંચ અને ઉમરાળા-પાલિતાણામાં ૩ ઇંચથી વધુ ખાબકતા સર્વત્ર પાણી-પાણી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૫: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ રુદ્ર સ્‍વરૂપ ધારણ કરીને તોફાની પધરામણી કરી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

ખાસ કરીને વલ્લભીપુર, પાલિતાણા અને ઉમરાળા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્‍તારો અને નદી-નાળાઓમાં પાણી ભરાવાની સ્‍થિતિ સર્જાઈ છે. વલ્લભીપુરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જ કૂલ ૧૫૦ મીમી ( ૬ ઇંચ) મુસળધાર વરસાદ ખાબકયો છે, જેમાં બપોરે ૨ થી ૪ વાગ્‍યા વચ્‍ચેના માત્ર બે જ કલાકમાં ૯૦ મીમી (સાડા ત્રણ ઇંચથી વધુ) વરસાદ વરસતા સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો હતો. વલ્લભીપુર ઉપરાંત ઉમરાળા તાલુકામાં દિવસ દરમિયાન કૂલ ૭૯ મીમી (૩ ઇંચથી વધુ) વરસાદ નોંધાયો છે, જેમાં બપોરે ૨ થી ૪ વાગ્‍યા વચ્‍ચે ૪૪ મીમી વરસાદ ખાબકયો હતો. પાલિતાણા તાલુકામાં પણ બપોરે ૧૨ થી ૪ દરમિયાન ભારે ધારા સાથે દિવસનો કુલ ૭૮ મીમી (૩ ઇંચથી વધુ) વરસાદ નોંધાયો છે.  ભાવનગરના મહુવા તાલુકામાં બપોરે ૧૨ થી ૨ વાગ્‍યાના બે કલાકમાં જ ૪૬ મીમી વરસાદ પડાતા કુલ ૫૮ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તળાજામાં ૪૫ મીમી, સિહોરમાં ૧૬ મીમી, ઘોઘામાં ૧૨ મીમી, જેસરમાં ૧૨ મીમી, ભાવનગરમાં ૧૧ મીમી અને ગારીયાધારમાં ૩ મીમી વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન  ભાવનગર જિલ્લામાં સરેરાશ ૪૬.૪ મીમી (પોણા બે ઇંચ) વરસાદ થયો છે. આ સાથે ચાલુ મોસમનો જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ ૫૬૬.૪ મીમી પર પહોંચી ગયો છે. જિલ્લામાં મોસમનો સૌથી વધુ કુલ વરસાદ મહુવા તાલુકામાં ૭૬૯ મીમી અને વલ્લભીપુરમાં ૬૩૯ મીમી નોંધાઈ ચૂકયો છે. ભારે વરસાદને પગલે જિલ્લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ અને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે સ્‍થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.(૨.૮)

(11:13 AM IST)