News of Friday, 3rd July 2026
કેશોદ વિસ્તારમાં ૧૬ાા ઇંચ વરસાદથી નદીઓ બની ગાંડીઃ ખેતરોમાં ભરાયા પાણી
ગત રાત્રી દરમિયાન શાંત રહેલ મેઘરાજા સવારથી પુનઃ સક્રિય

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૩: કેશોદ વિસ્તારમાં ૩૦ કલાક માં સીઝનનો સૌપ્રથમ વરસાદ ૧૬ાા ઇંચ જેવો પડી જતા નદીઓ ગાંડી બનેલ હતી. ગઈકાલે આખો દિવસ ૧૧ ઇંચ જેવો વરસ્યા બાદ મેઘરાજા રાત્રિના શાંત જણાયા હતા. જોકે આજે સવારથી ફરી સક્રિય જોડાઈ રહે છે.
કેશોદ વિસ્તારમાં બુધવારના બપોર થી શરૂ થયેલ મેઘ સવારી ગઈકાલે પણ આખો દિવસ યથાવત રહેવા પામેલ હતી. ગુરુવારે સવારે ૬ થી સાંજના ૬ કલાક દરમિયાન છેલ્લા ૧૨ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ થવા પામેલ છે. આ સ્થિતિ વચ્ચે સર્વત્ર પાણી... પાણી... જોવા મળેલ છે . અત્રેની ઉતાવળી અને ટિલોળી નદીમાં પૂર આવતા નદીઓ માં પાણી દોડવા લાગેલ છે. દિવસ દરમિયાન સૌથી વધુ સાંજે ૪ થી ૬ વચ્ચે બે કલાક માં ૪ ઇચ જેવો વરસાદ પડી ગયેલ હતો.
વરસાદના કારણે ખેતરો તથા માર્ગો પર પાણી ભરાઈ જવા પામેલ છે. કેશોદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધતા ઓછા અંશે વરસાદ ચાલુ રહેલ હતો. વરસાદથી ખેડૂતો ખુશ ખુશાલ જણાઈ રહેલ છે.
સતત ૩૦ કલાક વરસ્યા બાદ ગઈકાલ સાંજથી વરસાદ શાંત પડેલ છે. આજે રાત્રે પણ વરસાદ નોંધાયેલ નથી. જોકે આકાશમાં વાદળો હજુ એક રસ હોય આ સ્થિતિ વચ્ચે હજુ વધુ વરસાદ પડે તેવી શકયતા વાતાવરણ જોતા નકારી શકાય નહીં.
અત્રે નોંધનીય છે કે, ચોમાસુ સીઝન શરૂ થતા વરસાદ ની આતુરતા થી રાહ જોવઇ રહેલ હતી આ સ્થિતિ વચ્ચે પ્રવર્તમાન ચોમાસું સિઝનના પ્રથમ તબક્કાના રાઉન્ડમાં સાડા સોળ ઇંચ જેવો નોંધપાત્ર વરસાદ થવા પામેલ છે.
દરમિયાન કંટ્રોલરૂમના સત્તાવાર આંકડા મુજબ ગઈકાલ સવારના ૬ થી ૮ દરમિયાન ૯ મી.મી., ૮ થી૧૦ દરમિયાન ૩૬ મીમી , ૧૦ થી ૧૨ દરમિયાન ૫૫ મીમી, ૧૨ થી ૨ દરમિયાન ૧૧મીમી , ૨ થી ૪ દરમિયાન ૩૮ મીમી અને ૪ થી ૬ દરમિયાન ૯૩ મીમી તથા સાંજ ના ૬ થી ૮ દરમિયાન ૩૬ મીમી મળી આખા દિવસમાં કુલ ૨૭૮ મીમી વરસાદ વરસતા સીઝનનો કુલ વરસાદ ૪૧૩ મી.મી. વરસાદ નોંધાયેલ છે.
ત્યારે ગતરાત્રિના આરામ ફરમાવ્યા બાદ આજ સવારથી પુનઃ વરસવાનું શરૂ થયેલ છે. સવારે ૭:૩૦ કલાકે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ધીમીધારે વરસાદ વરસી રહેલ છે. (તસ્વીરઃ માધવ- દેવાણી કેશોદ)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
