<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

પાલિતાણાના શ્રી સતુઆબાબા આશ્રમ ખાતે ૧૮૫મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ સંપન્ન : અનેક દર્દીઓએ લીધો નિદાન અને સારવારનો લાભ

સુદર્શન નેત્રાલયના સહયોગથી આયોજિત કેમ્પમાં મોતીયા અને વેલના દર્દીઓની કરાશે શસ્ત્રક્રિયા : વિવિધ સામાજિક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત

ઈશ્વરિયા: પાલિતાણા સ્થિત શ્રી કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા દ્વારા સુદર્શન નેત્રાલયના સહયોગથી ૧૮૫મો નેત્રયજ્ઞ સફળતાપૂર્વક યોજાઈ ગયો છે. આ નેત્રયજ્ઞમાં પાલિતાણા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આવેલા દર્દીઓએ નિદાન અને વિનામૂલ્યે સારવારનો લાભ મેળવ્યો હતો. સંસ્થાના પ્રમુખ ગિરીશભાઈ ગોધાણીના કુશળ નેતૃત્વ હેઠળ આ સામાજિક અને સેવાકીય ઉપક્રમ નિરંતર ચલાવવામાં આવી રહ્યો છે.

અમરેલી સ્થિત સુદર્શન નેત્રાલયના નિષ્ણાત તબીબોના સહયોગથી શ્રી સતુઆબાબા આશ્રમ ખાતે આયોજિત આ કેમ્પ દરમિયાન દર્દીઓની વિનામૂલ્યે આંખોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જે દર્દીઓમાં મોતીયો અને વેલની બીમારી જોવા મળી છે, તેઓની આગળના તબક્કામાં વિનામૂલ્યે શસ્ત્રક્રિયા (ઓપરેશન) કરવામાં આવશે.

આ માનવસેવાના ઉત્તમ કાર્ય પ્રસંગે સ્થાનિક સામાજિક અગ્રણીઓ સર્વશ્રી નાનુભાઈ વાઘાણી, નાનુભાઈ ડાખરા, ગોરધનભાઈ બલર, ગણેશભાઈ રવાણી, જેરામભાઈ સાંકડાસરિયા તેમજ ભગવાનભાઈ ખાંભલ્યા સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર નેત્રયજ્ઞના સુચારુ આયોજન માટે શ્રી સતુઆબાબા વિદ્યાસંકુલ ખાતે સંસ્થાના વડા ચંદકાંતભાઈ વંકાણી તથા તેમની કાર્યકર્તા ટીમ દ્વારા દર્દીઓ માટે નિદાન, ભોજન અને બેઠક સહિતની વ્યવસ્થાઓ માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)

(4:19 PM IST)