હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધ્રોલમાં ર, મહુવામાં ૧ ઇંચ, વરસાદઃ સાર્વત્રિક વરસાદની આશા બંધાણી
વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાના સંજોગો સર્જાતા હરખઃ હવે પાકને વરસાદની તાતી જરૂર

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને જામનગર જીલ્લાના ધ્રોલમાં ર ઇંચ, ભાવનગરના મહુવામાં ૧ ઇંચ વરસાદ પડયો છે. જયારે જેસરમાં અડધો ઇંચ વરસ્યો છે.
આ ઉપરાંત અમરેલી જીલ્લાના ધારી-ગીર પંથકમાં ઝાપટા વરસ્યા છે.
ધ્રોલ-જામનગર
(મુકુંદ બદિયાણી-સંજય ડાંગર દ્વારા) જામનગર-ધ્રોલ : જામનગર જીલ્લાના ધ્રોલમાં સવાર ર ઇંચ વરસાદ પડયો છે. જયારે કાલાવડમાં ઝાપટારૂપે ર મી.મી. વરસાદ પડયો છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :.. ભાવનગર જિલ્લાના મહુવામાં લાંબા સમય બાદ પુનઃ વાદળછાયું વાતાવરણ છવાયું છે. મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ વાતાવરણ પલટાતા મેઘરાજાનું આગમન થયું હતું, જેના કારણે મહુવામાં એક ઈંચ અને જેસર પંથકમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. મહુવા તાલુકાના ગુંદરણા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદે હાજરી પુરાવતા ખેડૂતોમાં રાહત સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભેલા પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી અને પાક સુકાવાની શરૂઆત થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી. ખેડૂતો એક મહિનાથી પોતાના ઊભા પાકને કુવારા અને ટપક પદ્ધતિથી પિયત કરતા હતા, ત્યારે આજે બપોરે સારો વરસાદી ઝાપટું વરસી ગયું હતું. ગુંદરણા સહિત આસપાસના પંથકમાં વરસાદ વરસતા ખેતરોમાં ભેજનું પ્રમાણ વધ્યું હતું અને મોલાતને જીવતદાન મળ્યું હતું.
મહુવા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. વરસાદ શરૂ થતા ગાંધી બાગ, હોસ્પિટલ રોડ, વાસિતળાવ, સ્ટેશન રોડ, કોલેજ રોડ અને કુંભારવાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
હવામાન વિભાગ ની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો-પ્રેશર સિસ્ટમને કારણે ૧૨ સપ્ટેમ્બરને શનિવારથી ૧૪ સપ્ટેમ્બરને સોમવાર દરમિયાન ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
