<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

20 વર્ષથી અવિરત શ્રદ્ધાની પદયાત્રા... 'જય જલારામ'ના નાદ સાથે સુરતના 100થી વધુ પદયાત્રીઓ વીરપુર(જલારામ)ધામ પહોંચ્યા

પૂ.જલારામબાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે ગભેણી અને મગદલ્લા ગામના ભક્તોનું વીરપુરમાં ભાવભીનું સ્વાગત : નાના બાળકો, મહિલાઓ અને પુરુષો સહિતના પદયાત્રીઓએ પૂ.જલારામબાપાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર(જલારામ)તા.૧૬ : સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 227મી જન્મજયંતિની ઉજવણીને લઈને ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે. જન્મજયંતિ નિમિત્તે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે વીરપુર ધામમાં ઉમટી રહ્યા છે. ત્યારે જલારામ બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને આસ્થા ધરાવતા સુરતના ગભેણી અને મગદલ્લા ગામના 100થી વધુ પદયાત્રીઓનો સંઘ 'જય જલારામ'ના ગગનભેદી નાદ સાથે વીરપુર આવી પહોંચ્યો હતો.

 

છેલ્લા 20 વર્ષથી અવિરતપણે જાળવી રાખેલી આ પદયાત્રાની પરંપરા મુજબ દિવાળી પહેલાં સુરતના ગભેણી ગામેથી નીકળેલા આ સંઘમાં નાના બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત 100થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. લાંબી પદયાત્રા પૂર્ણ કરીને વીરપુરની પાવન ભૂમિ પર પહોંચેલા પદયાત્રીઓએ પૂજ્ય જલારામ બાપાની આરતી ઉતારી, ધૂન બોલાવી અને બાપાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

 

આ પ્રસંગે પદયાત્રી સંઘના પરેશભાઈ પટેલ અને બીપીનભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર યાત્રા દરમિયાન વરસાદી વાતાવરણ હોવા છતાં પૂજ્ય જલારામ બાપાની કૃપાથી કોઈપણ પદયાત્રીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહોતો. બાપા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે નીકળેલી આ પદયાત્રા સફળતાપૂર્વક વીરપુર ધામે પૂર્ણ થતાં સૌ પદયાત્રીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

આમ, જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે સુરતથી પગપાળા વીરપુર પહોંચેલા 100થી વધુ ભક્તોએ 20 વર્ષથી ચાલી આવતી શ્રદ્ધાની પરંપરાને જાળવી રાખી હતી. 'જય જલારામ'ના નાદથી વીરપુર ધામ ભક્તિમય બની ગયું હતું અને પદયાત્રીઓની આ અનોખી ભક્તિએ ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

(9:21 AM IST)