તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના 2,000 થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા :₹2000 કરોડ અટક્યા
રણજીતનગર સેન્ટ્રલ બેંક ખાતે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કરાયો: બેંકિંગ કામગીરી ઠપ્પ થતાં આશરે 2,000 કરોડ રૂપિયાથી વધુનું ચેક ક્લિયરિંગ અટવાઈ ગયું

જામનગર :સપ્તાહમાં 5 દિવસનું કામકાજ લાગુ કરવા સહિતના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતની તમામ નેશનલાઈઝ્ડ બેંકોના કર્મચારીઓ સામૂહિક હડતાળ પર ઉતરી જતા બેંકિંગ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આ હડતાળના કારણે બંને જિલ્લાઓમાં અંદાજે 2,000 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું ચેક ક્લિયરિંગ અને નાણાકીય વ્યવહારો અટવાઈ પડ્યા છે.
હડતાળના ભાગરૂપે જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય શાખા ખાતે કર્મચારીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. બેંક યુનિયનોના નેજા હેઠળ એકઠા થયેલા કર્મચારીઓ અને અધિકારીઓએ બેંક પરિસર બહાર પ્લેકાર્ડ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની માંગણીઓ તાકીદે સ્વીકારવા સરકાર સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓના આક્રોશને જોતાં વાતાવરણ તંગ બની ગયું હતું.
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના આહવાનને પગલે જામનગર અને દ્વારકા જિલ્લાના 2,000 થી વધુ બેંક કર્મચારીઓ અને અધિકારીઓ સંપૂર્ણપણે કામકાજથી અળગા રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BOB), અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI) સહિતની તમામ સરકારી બેંકોમાં તાળાબંધી જેવો માહોલ સર્જાયો હતો. કર્મચારીઓ કામ પર ન આવતા વહીવટી કામગીરી, રોકડ લેવડ-દેવડ, ડ્રાફ્ટ અને નવી લોન મંજૂરી સહિતની સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી.
બેંકો બંધ રહેવાના કારણે સૌથી ગંભીર અસર સ્થાનિક વેપાર-ધંધા અને ઉદ્યોગો પર પડી છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં થઈને અંદાજે 2,000 કરોડ રૂપિયાથી વધુની રકમના ચેકોનું ક્લિયરિંગ અટકી ગયું છે. બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગ, ઓઈલ મિલિંગ અને સ્થાનિક વેપારીઓના મોટા નાણાકીય વ્યવહારો ફસાઈ જતાં વેપારી આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ઉપરાંત સામાન્ય નાગરિકોને પણ રોકડ ઉપાડ અને ડિપોઝિટ માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી.
કર્મચારી આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન દ્વારા 5 દિવસનું કામકાજ અને પેન્શન અપડેશન સહિતની માંગણીઓ પર સકારાત્મક નિર્ણય નહીં લેવાય, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
