તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
રાજકોટ-મોરબી હાઇવે પર કારના અકસ્માતમાં ટંકારાના ૨૨ વર્ષના નવઘણ ચોૈહાણનું મોત
રાજકોટથી કપડા લઇ ટંકારા પરત જતી વખતે મારવાડી કોલેજ પાસે બનાવ

રાજકોટ તા. ૧૩: ગઇકાલે બપોરે રાજકોટ-મોરબી હાઇવે પર મારવાડી યુનિવર્સિટીથી આગળ સ્વીફટ કારના ચાલક ટંકારાના યુવાને આગળ જઇ રહેલા ટુવ્હીલરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં કાબુ ગુમાવતાં આ કાર પલ્ટી ખાઇ આગળની બીજી કાર સાથે અથડાતાં બંને કાર ગોથા મારી ગઇ હતી. સ્વીફટ કારના ચાલક અને સાથે બેઠેલા તેના મિત્રો પેકી એકને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતાં. જેમાંથી કારચાલકના મિત્રનું મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ બધા રાજકોટથી કપડા ખરીદીને ટંકારા જઇ રહ્યા હતાં.
જાણવા મળ્યા મુજબ ટંકારામાં કલ્યાણપર રોડ પર રહેતાં નવઘણ દાદુભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૨) તથા તેના ભત્રીજા આકાશ દેવાભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૮-રહે. વડગામડા તા. થરાદ, પાલનપુર) અને સુનિલ નાગજીભાઇ સિંધવ (રહે. ટંકારા) તથા આશીક દિલીપભાઇ ચોૈહાણ (રહે. ટંકારા) એમ ચારેય જણા સ્વીફટ કાર જીજે૩૬એલ-૨૭૮૬ લઇ ટંકારાથી રાજકોટ કપડા ખરીદ કરવા આવ્યા હતા. કપડા લઇને આ બધા પરત રાજકોટથી ટંકારા જવા નીકળ્યા ત્યારે બપોરે મારવાડી કોલેજથી આગળ પહોંચ્યા ત્યારે કાર ચલાવી રહેલા આકાશ ચોૈહાણે આગળ જઇ રહેલા બાઇકને ઓવરટેક કરતી વખતે કાબુ ગુમાવતાં કાર પલ્ટી મારી ગઇ હતી. તેમજ આગળ અન્ય એક કાર જતી હોઇ તેની સાથે અથડાતાં બંને કાર ગોથા મારી જતાં ભારે નુકસાની થઇ હતી.
આ અકસ્માતમાં આકાશને છાતીના ભાગે મુંઢ ઇજા થઇ હતી અને નવઘણને માથામાં શરીરે ઇજાઓ થતાં લોહીલુહાણ થઇ બેભાન થઇ ગયો હતો. બીજા બે સુનિલ અને આશીકને ઇજાઓ થઇ નહોતી. બનાવને પગલે ભેગા થઇ ગયેલા લોકોએ નવઘણ અને આકાશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. જ્યાં સારવાર દરમિયાન નવઘણનું મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસ મથકના લક્ષમણભાઇ મહાજને મૃતક નવઘણના કાકા ટંકારા રહેતા સલિમભાઇ તારમહમદભાઇ ચોૈહાણની ફરિયાદ પરથી કારચાલક આકાશ દેવાભાઇ ચોૈહાણ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
મૃત્યુ પામનાર નવઘણ ઘર પાસે ચા વેંચતો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. તેના લગ્ન થઇ ગયા હતાં અને અને સંતાનમાં એક દિકરો છે. જો કે પત્નિ સાથે તેના છુટાછેડા થઇ ગયા હતાં. યુવાન દિકરાના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
