તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 5th June 2026
લતીપરમાં પિતાના ઠપકાથી લાગી આવતા ૨૫ વર્ષીય યુવાનનો ઝેરી દવા પી ને આપઘાત
દારૂની લતે ચડેલા- બિમાર પુત્રને પિતાએ ઠપકો આપતા અંતિમ પગલુ ભર્યું: એકના એક પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી એકના એક અપરિણીત પુત્રના મોતથી અરેરાટી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.પઃ ધ્રોલ તાલુકાના લતીપર ગામની સીમમાં દારૂની બદીએ વધુ એક હસતા-રમતા પરિવારનો માળો વિંખી નાખ્યો છે. દારૂ પીવાની કુટેવના કારણે ફેફસાં-કિડની બગડ્યા હોવા છતાં ફરી દારૂ પીને આવેલા પુત્રને પિતાએ ઠપકો આપતાં, પુત્રને મનમાં લાગી આવ્યું હતું અને વાડીએ જઈ અનાજના ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.
બનાવની વિગત મુજબ, લતીપર ગામની સીમમાં ખેતી કરતા ભાણજીભાઈ ચકુભાઈ તાલપરાના ૨૫ વર્ષીય પુત્ર ભાર્ગવ તાલપરાને દારૂ પીવાની ભારે ટેવ હતી. આ દારૂની લતના કારણે ભાર્ગવના ફેફસાં અને કિડનીમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેની તબીબી સારવાર ચાલી રહી હતી. આમ છતાં, ગત ગુરુવારે તે ફરીથી દારૂ પીને ઘરે આવ્યો હતો.
સારવાર ચાલુ હોવા છતાં પુત્રને દારૂના નશામાં જોઈ પિતા ભાણજીભાઈએ પુત્રના સ્વાસ્થ્યની ચિંતામાં તેને દારૂ ન પીવા બાબતે કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો ભાર્ગવને મનમાં લાગી આવતા તે ગુપચુપ પોતાની વાડીએ ચાલ્યો ગયો હતો અને ત્યાં અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા.
યુવાને ઝેરી દવા ગટગટાવી લીધાની ખબર પડતાં જ પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે મળતકના પિતાએ ધ્રોલ પોલીસમાં જાહેરાત આપતા હેડ કોન્સ્ટેબલ જે.કે. દલસાણીયાએ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુવાનજોધ પુત્રના આપઘાતથી તાલપરા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. એકના એક અપરિણીત પુત્રના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
