તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
જામનગર મોદી સ્કૂલના ૨૫૦ ભૂલકાંઓએ વત્સલ્યધામ વૃદ્ધાશ્રમના વડીલો સાથે દિવાળીની ઉજવણી કરી

જામનગરઃ (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર સ્થિત મોદી સ્કૂલના લોઅર પ્રાઇમરી વિભાગ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ૮ અને સંસ્કાર સિચનના ભાગરૂપે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ૨૫૦ જેટલા ભૂલકાંઓએ વસઈ ગામે આવેલ વત્સલ્યધામ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલો સાથે પ્રેમપૂર્વક દિવાળીની અગાઉથી શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકોની નિર્દોષ વાતો અને સ્નેહપૂર્ણ સંવાદથી સમગ્ર વૃદ્ધાશ્રમનું વાતાવરણ જીવંત અને ઉત્સાહપૂર્ણ બની ગયું હતું. વડીલોએ પણ બાળકોને ભાવપૂર્વક પોતાના આશીર્વાદ આપ્યા હતા. બાળકોની નિર્દોષતા અને વડીલોના વત્સલભાવ વચ્ચે સર્જાયેલા આ સંગમમાં સ્નેહ, હાસ્ય અને લાગણીઓની આપ-લે થઈ હતી. બે પેઢીઓને પ્રેમ અને લાગણીના તાંતણે જોડતી આ મુલાકાતે ઉપસ્થિત સૌ કોઈના ચહેરા પર નિખાલસ સ્મિત લાવી દીધું હતું. શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે, આવા આયોજનો પાછળનો મુખ્ય હેતુ બાળકોમાં નાનપણથી જ વડીલો પ્રત્યે આદર, સ્નેહ અને સામાજિક સંવેદના કેળવાય તે છે. પેઢીઓને જોડતો પ્રેમનો આ દીપક સમાજમાં સદાય પ્રજ્વલિત રહે તેવી ભાવના સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
