તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
૨૫૦૦ કિલોમીટરની કપરી પદયાત્રા: વેરાવળના ત્રણ યુવાનોએ સોમનાથથી અમરનાથ સુધી ચાલીને કર્યો ઇતિહાસ રચ્યો
સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો, સોમનાથથી જમ્મુ-કાશ્મીર સુધીની અદ્ભુત યાત્રા પૂર્ણ

વેરાવળ ; સોમનાથ મહાદેવના સાનિધ્યથી શરૂ થયેલી એક અનોખી અને અત્યંત કઠિન આધ્યાત્મિક યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. વેરાવળ સમસ્ત ખારવા સમાજના ત્રણ યુવાનો ચિરાગ ચોરવાડી, રામેશ્વરભાઈ માલમડી અને શિવમભાઈ વધાવીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવીને જમ્મુ-કાશ્મીરમાં સ્થિત પવિત્ર બાબા અમરનાથના દર્શનાર્થે પગપાળા પદયાત્રા આરંભી હતી. આ ત્રણેય યુવાનોએ અવિરત અને મક્કમ મનોબળ સાથે સતત ૭૫ દિવસ સુધી અંદાજે ૨૫૦૦ કિલોમીટર જેટલું લાંબું અંતર ચાલીને બાબા અમરનાથની પવિત્ર ગુફા ખાતે પહોંચી દર્શન કર્યા હતા, જેનાથી સમગ્ર પંથકમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
યાત્રા પૂર્ણ કરીને પરત ફરેલા આ સાહસિક યુવાનોનું વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજના પટેલ જીતુભાઈ કુહાડાએ યુવાનોનું મોઢું મીઠું કરાવીને અને પુષ્પહાર પહેરાવીને ભવ્ય સન્માન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ અને વડીલોએ યુવાનોના આત્મવિશ્વાસ અને ભક્તિભાવને બિરદાવ્યા હતા. યુવાનોએ પોતાની આ યાત્રા દરમિયાન થયેલા દિવ્ય અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, બાબા અમરનાથના દર્શન થતા જ તેમની દિવસોની થાક અને મુશ્કેલીઓ પળભરમાં અદ્રશ્ય થઈ ગઈ હતી અને તેઓ ભાવવિભોર બની ગયા હતા.
આ ભવ્ય સન્માન સમારોહમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઈ આગિયા, ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, મંત્રી નારણભાઈ બાંડિયા તેમજ વેરાવળ હોડી એસોસિયેશનના પ્રમુખ હીરાભાઈ વધાવી સહિતના અનેક પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ યુવાનોના આ સાહસને પ્રેરણારૂપ ગણાવતા જણાવ્યું હતું કે આ યુવાનોએ માત્ર ખારવા સમાજનું જ નહીં પરંતુ સમગ્ર સોમનાથ અને વેરાવળ ક્ષેત્રનું નામ રોશન કર્યું છે.
આ પદયાત્રા અગાઉ પણ સોમનાથ અને આસપાસના વિસ્તારોમાંથી અનેક શ્રદ્ધાળુઓ દ્વારા નાના-મોટા અંતરની યાત્રાઓ કરવામાં આવી છે, પરંતુ ૭૫ દિવસ સુધી સતત ૨૫૦૦ કિલોમીટર જેટલું વિશાળ અંતર પગપાળા કાપવાની આ ઘટના અત્યંત દુર્લભ અને પ્રેરણાદાયી માનવામાં આવે છે. સ્થાનિક યુવા વર્ગમાં ધાર્મિક આસ્થા અને શારીરિક દ્રઢતાનું આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર આ યુવાનોની સિદ્ધિ બદલ આગામી દિવસોમાં સામાજિક સ્તરે તેમને વધુ પ્રોત્સાહિત કરવા માટેના સન્માન આયોજનો પણ વિચારણા હેઠળ છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
