તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
જસદણના ગોંડલાધાર ગામે ૨૬ વર્ષના ભારતીબેન ડાભીનો ૧ વર્ષની દિકરી સાથે કૂવામાં કૂદી આપઘાત
પતિને પેરેલિસિસ હુમલો આવતાં પથારીવશ થઇ જતાં આપઘાત કર્યાની શક્યતાએ પોલીસ તપાસઃ વિંછીયાના કંધેવાડીયા ગામે માવતર ધરાવતાં ભારતીબેનના ચાર વર્ષ પહેલા જ ગોંડલાધારના સાગર ડાભી સાથે લગ્ન થયા હતાં: મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખાતે ખસેડાયા

ુતસ્વીરમાં એક વર્ષની ફુલડા જેવી બાળકી જેનીશા-જીનલનો મૃતદેહ અને ફાઇલ ફોટો તથા માતા ભારતીબેન ડાભીનો મૃતદેહ અને ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ કરસન બામટા-આટકોટ)
(કરસન બામટા) આટકોટ તા. ૨૩: જસદણના ગોંડલાધાર ગામે રહેતી કોળી પરિણીતા ગઇકાલે બપોરે ઘરેથી એક વર્ષની દિકરી સાથે નીકળ્યા બાદ તેની જ વાડીના કૂવામાંથી સાંજે બંને મા-દિકરીના મૃતદેહ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેણી એકાદ વર્ષથી કલેશના કારણે રિસામણે હતાં. આપઘાત કર્યાની શંકાએ પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટ માટે રાજકોટ ખસેડયા છે.
જાણવા મળ્યા મુજબ ગોડલાધાર ગામે રહેતાં ભારતીબેન સાગરભાઇ ડાભી (ઉ.વ.૨૬) અને તેની દિકરી જેનીશા-જીનલ (ઉ.વ.૧) ગઇકાલે ઘરેથી નીકળ્યા બાદ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. એ દરમિયાન વાડીના કૂવામાંથી પાણીનો ઉલાળો લેતી વખતે બાળકીની લાશ બહાર આવતાં પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મૃતદેહ બહાર કાઢી જસદણ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. જો કે ઘટના શંકાસ્પદ જણાતી હોઇ પોલીસે મા-દિકરીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયા હતા઼.
મૃત્યુ પામનાર ભારતીબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાંએક દિકરી હતી જેનું પણ તેની સાથે મૃત્યુ થયું છે. પતિ સાગર ડાભી ખેત મજૂરી કરે છે. જો કે હાલમાં તેને પેરેલિસિસ એટેક આવ્યો હોઇ જેથી તે પથારીવશ છે. ભારતીબેનના માવતર વિંછીયાના કંધેવાડીયા ગામે રહે છે. આ બનાવમાં પતિ પથારીવશ થતાં તેની ચિંંતામાં તેણીએ દિકરી સાથે આપઘાત કર્યો કે પછી અકસ્માતે દિકરી પડી ગયા બાદ તેને બચાવવા જતાં તેણી પણ ડુબી ગઇ? તે સહિતની તપાસ જસદણ પોલીસ કરી રહી છે. આ બનાવથી ગોંડલાધાર ગામમાં ગમગીની વ્યાપી ગઇ છે. આટકોટ પીઆઇશ્રી રાઠોડના કહેવા મુજબ પ્રાથમિક તપાસમાં બનાવ આપઘાતનો જણાઇ આવે છે. વિશેષ તપાસ બાદ વધુ વિગતો બહાર આવશે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
