<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ચોટીલા ખાડીપ્લોટમા માલવાહક લિફ્ટમાં સપડાતા 29 વર્ષીય શ્રમિક દીપકભાઈ મકવાણાનું મોત

અનાજ અને ખોળની દુકાનમાં માલ ચડાવતી વખતે દુધૅટના : 108 અને પોલીસની મદદથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા પરંતુ બચાવી શકાયા નહીં : પોલીસે તપાસ શરૂ કરી

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૧૮ :  ચોટીલા શહેરના ખાડીપ્લોટ વિસ્તારમાં  ગમખ્વાર અકસ્માતમાં 29 વર્ષીય શ્રમિક દીપકભાઈ મકવાણાનું કરુણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

 

મળતી માહિતી મુજબ, ખાડીપ્લોટ વિસ્તારમાં આવેલી ભરતકુમાર ધીરજલાલની અનાજ અને પશુઆહાર-ખોળની દુકાનમાં ઉપરના માળે માલ ચડાવવા-ઉતારવા માટે માલવાહક લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. રોજિંદી કામગીરી દરમિયાન દીપકભાઈ મકવાણા લિફ્ટ મારફતે માલસામાનની હેરફેર કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ અકસ્માતે માલવાહક લિફ્ટમાં સપડાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદે દોડી આવ્યા હતા. ચોટીલા પોલીસ અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ યુવકને લિફ્ટમાંથી બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

 

આ દુર્ઘટનાથી મૃતકના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર ખાડીપ્લોટ વિસ્તાર તેમજ વેપારી અને શ્રમિક વર્ગમાં ગમગીની છવાઈ ગઈ છે.

 

ચોટીલા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું અને દુકાનમાં ઉપયોગમાં લેવાતી માલવાહક લિફ્ટમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થાનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ શરૂ કરવામાં આવી છે.

(2:00 PM IST)