તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
ગોંડલમાં દુકાન પડાવી લેવા વેપારી ઉપર જીવલેણ હુમલો કરનાર ૩ ફરાર આરોપીઓ મુંબઇથી પકડાયા
બે મહિનાથી વોન્ટેડ આરોપીઓને રૂરલ એલસીબીએ હોટલમાંથી દબોચી લીધાઃ મુખ્ય આરોપી બીટુ જાડેજા સામે દારૂ-મિલ્કત પચાવી પાડવાના ૯ ગુન્હા નોંધાયા છે

તસ્વીરમાં પકડાયેલ આરોપીઓ (નીચે બેઠેલા) સાથે રૂરલ એલસીબીનો સ્ટાફ નજરે પડે છે.
ગોંડલ તા. ૧૮ :.. ગોંડલ શહેરમાં એક વેપારીની દુકાન બળજબરીથી પડાવી લેવાના ઇરાદે વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરી છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા ત્રણ કુખ્યાત આરોપીઓને રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલની નાની બજારમાં આવેલ શ્નકલા નિકેતન નોવેલ્ટી સ્ટોરઙ્ખ નામની પાઘડી પનાની દુકાન ખાલી કરાવવા માટે આરોપી ભર્ગરાજસિંહ ઉર્ફે બીટુ જાડેજા તથા તેની સાથે રહેલા જયરાજસિહ જાડેજા અને વિરાગસિંહ જાડેજાએ વેપારી ગૌરવભાઈ જોશી પર દબાણ કર્યું હતું. વેપારીએ દુકાન ખાલી કરવાની સ્પષ્ટ ના પાડતા, આરોપીઓએ ધુળેટી ની રાત્રીનાં કૈલાશ કોમ્પ્લેક્ષ માં લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે આડેધડ માર માર્યો હતો. આ હુમલામાં વેપારીને બંને હાથ અને પગમાં ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. આ સમયે વેપારીને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર હરદીપભાઈને પણ આરોપીઓએ માર મારી હાથમાં ફ્રેક્ચર કર્યું હતું. આ ગંભીર બનાવ અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ગુનો કર્યા બાદ આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા અને ગોંડલ કોર્ટે તેમની સામે વોરંટ પણ ઇશ્યૂ કર્યા હતા. રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય SP વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે ન્ઘ્ગ્ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણાને બાતમી મળી હતી કે આરોપીઓ મુંબઈ નાં સાંતાક્રુઝ વિસ્તાર માં એક હોટેલ માં છુપાયેલા છે. આ માહિતીના આધારે તાત્કાલિક LCB ની ટીમ મુંબઈ (મહારાષ્ટ્ર) પહોંચી હતી અને ત્રણેય આરોપીઓને એક હોટલમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ગોંડલ એ ડિવીઝન પોલીસને સોંપી દીધા છે.
ઝડપાયેલા આરોપીઓમાં તથા ગોંડલ રેલ્વેસ્ટેશન પાસે રહેતાં ભર્ગરાજસિંહ ઉર્ફે બીટ્ટુ રઘુરાજસિંહ જાડેજા, જયરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા, તથા વિરાગસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાની વધુ પુછતાછ હાથ ધરાઇ છે.
પકડાયેલા મુખ્ય આરોપી ભર્ગરાજસિંહ ઉર્ફે બીટુભા જાડેજા સામે અગાઉ ગોંડલ સિટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મારામારી, ધમકી આપવી, એટ્રોસિટી અને દારૂબંધી ભંગ (પ્રોહીબીશન) સહિતના કુલ ૯ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂકયા છે. જ્યારે અન્ય આરોપીઓ સામે પણ અગાઉ ગુના નોંધાયેલ છે.
આ કામગીરી એલસીબી રાજકોટ ગ્રામ્યના પો. ઇ. જે. પી. રાવ, પો. સબ. ઇ. એચ. સી. ગોહીલ, કે. એમ. ચાવડા, આર. વી. ભીમાણી, એ.એસ.આઇ. બાલકૃષ્ણ અનંતરાય ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, અમીતસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઇ બંકોત્રા, ભાવેશભાઇ ચાવડા, પો. હેડ કો. ભગીરથસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડા, છત્રપાલસિંહ જાડેજા, પો. કો. ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર, રણજીતભાઇ બોરડ, મહેન્દ્રસિંહ સોલંકી, વિજયભાઇ ખડીયા તથા ડ્રા. પો. હે. કો. અબ્દુલભાઇ શેખ વિગેરે જોડાયેલ હતાં.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
