<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

ઉનામાં એક દિવસના વિરામ બાદ દોઢ કલાકમાં ૩ ઇંચ

ગઇકાલે બપોરે કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડતા બજારોમાં ગોઠણબુડ પાણી ભરાયા હતાઃ ગ્રામ્‍યમાં દેલવાડા, નવાબંદર, સિમર, રાજપરા, અંજાર, અમોદ્રામાં સરેરાશ પોણાથી ૩ ઇંચ

 

 

(નવીન જોષી દ્વારા) ઉના તા.૨૩: ગઇકાલે બપોરે મેઘરાજાનું વીજળીના કડાકા-ભડાકા સાથે આગમન બાદ દોઢ કલાકમાં ૩ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

બે દિવસ પહેલા બે થી અઢી ઇંચ બાદ એક દિવસના વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયુ હતું.

એક દિવસના વિરામ બાદ બપોરે મેઘરાજાએ જાણે રોદ્ર સ્‍વરૂપ  ધારણ કર્યું હોય વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે સુપડા ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો જે માત્ર દોઢ કલાકમાં ૭૦ મી. મી. ત્રણ ઇંચ  વરસાદ તોફાની પાણી વરસી ગયું હતું જેના કારણે ઉના શહેરમાં વરસિંગપુર રોડ, અને ન્‍યાય કોર્ટની પાછળ, આનંદ બજાર, પોસ્‍ટ ઓફિસ ચોક થી ટાવર ચોક તથા મિલન કોમ્‍પ્‍લેક્‍સ પાસે વરસાદી પાણીનો નિકાલ ન થતા  ગોઠણ ડુબ પાણી ભરાઈ ગયું હતું.

આનંદ બજારમાં તો વેપારીઓએ દુકાન બહાર પોતાની વસ્‍તુઓ રાખેલ હોય તે પણ જાણે પાણીમા  તણાવવા લાગી હતી તેમજઉના ન્‍યાય કોર્ટ પાછળ આવેલ  અખબારી કાર્યાલયમાં પણ પાણી ઘૂસી ગયું હતું. સૂર્ય મુખી હનુમાન મંદિર ના ચોક મા એક ફૂટ પાણી ભરાય ગયા હતા.

સાંજે ચાર વાગ્‍યા સુધીમાં ઉના શહેરમાં ૭૦ મીલીમીટર વરસાદ નોંધાયો છે મોસમનો કુલ વરસાદ ૩૩ ઇંચ એટલે ૮૨૫ મી. મી.નોંધાયો છે.ઉના નગર પાલિકા દવારા છેલ્લા એક વરસ થી વરસાદી પાણી ના નિકાલ માટે કરોડો રૂપિયા ના ખર્ચે ભૂગર્ભ ગટર નું કામ કરેલ હતું વરસાદી પાણીનો નિકાલ ન કરી શકી. નગર પાલિકાનું તંત્ર પાણી નિકાલ માટે નિષ્‍ફળ ગયું હોવાનું લોકોમા ચર્ચા થાય છે . વરસાદ રહી જતા પાણી ધીમે ધીમે ઉતરી ગયા હતા.

ઉના તાલુકા ના દેલવાડા, નવાબંદર, સિમર, રાજપરા, અંજાર, અમોદ્રા, ભાચા, કંસારી, ખાપટમાં પોણાથી ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. તેમજ ગીર ગઢડામાં પણ પોણો ઇંચ વરસાદ વરસી ગયો છે.(

(11:14 AM IST)