તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
વેરાવળમાં જુગારના અડ્ડા પર દરોડા વેળાએ SMCની ટીમ પર હુમલા અંગે 34 આરોપી સામે જુગાર અને 40 વિરૂદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ
પોલીસથી બચવા માટે આરોપીઓએ હિંસક વલણ અપનાવતા SMCના PSIએ સ્વબચાવમાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં જુગારના અડ્ડા પર SMCની ટીમે રેડ પાડતી વેળાએ ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે હવે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, SMCની ટીમને વેરાવળના કોળીવાડા વિસ્તારમાં મોટા પાયે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે SMCની ટીમે રાત્રિના સમયે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન ત્યાં હાજર જુગારીઓ અને સ્થાનિક લોકોના ટોળાએ પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરી ટીમ પર હુમલો કર્યો હતો. પોલીસથી બચવા માટે આરોપીઓએ હિંસક વલણ અપનાવતા SMCના PSIએ સ્વબચાવમાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું.
આ ઘટનાના પગલે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પ્રથમ ફરિયાદ જુગારના અડ્ડા અંગે નોંધવામાં આવી છે, જેમાં 34 જેટલા આરોપીઓ સામેલ હોવાનું ખૂલ્યું છે અને પોલીસ દ્વારા ૨૬,૫૦૦ રૂપિયાની રોકડ રકમ તેમજ પાંચ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. બીજી ફરિયાદ આક્રમક ટોળા વિરુદ્ધ નોંધવામાં આવી છે, જેમાં 40 નામજોગ આરોપીઓ અને અંદાજે 200 જેટલા લોકોના ટોળા સામે રાયોટિંગ તથા હત્યાની કોશિશની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ વેરાવળ સિટી પોલીસ સમગ્ર મામલે સઘન તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે અને પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે. પોલીસ અધિકારી જે.એન.ગઢવીએ જણાવ્યું હતું કે, આ મામલે કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
