<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

૩૫ મો ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ: રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા અને રાજ્ય મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડાએ ભૂચરમોરી શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી : જુઓ વિડિયો

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પરંપરાગત અશ્વ શો સ્પર્ધા અને તલવારબાજીનું આયોજન : વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા: ભૂચરમોરી શૌર્ય, સ્વાભિમાન, કર્તવ્યનિષ્ઠા અને શરણાગતની રક્ષા જેવા મૂલ્યોની પ્રેરણા આપતી પવિત્ર વીરભૂમિ : મંત્રી રીવાબા: સરકારના ‘મારી માટી, મારો દેશ’ અને ‘હર ઘર તિરંગા’ જેવા અભિયાનો દ્વારા શહીદોની સ્મૃતિને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી છે : મંત્રી સંજયસિંહ મહીડા

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર :જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક યુદ્ધભૂમિ ભૂચરમોરી ખાતે દર વર્ષે શીતળા સાતમના પર્વ નિમિત્તે ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની અધ્યક્ષતામાં ૩૫માં શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા અને રાજ્ય મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડા તેમજ મહાનુભાવોએ શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ તેમજ શૂરવીર જામ અજાજી, તેમના ધર્મપત્ની સુરજબા તેમજ ભૂચરમોરીના શહીદ વીરોનાં પાળિયાને નમન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ ઐતિહાસિક યુદ્ધ ભૂમિ પર આ વર્ષે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જામનગર જિલ્લા રમત ગમત કચેરી દ્વારા ભૂચરમોરી વીરભૂમિ પરંપરાગત અશ્વ શો સ્પર્ધા અને તલવારબાજી ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ભૂચરમોરી શહીદ સ્મારક ખાતે નિર્મિત યુવા સંઘ સ્મૃતિ હોલનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટને જામરાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા રૂ.૧૧.૫૧ લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ભૂચરમોરીનું યુદ્ધ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં શૌર્ય, સ્વાભિમાન અને આશરા ધર્મના પાલનનું અદ્વિતીય પ્રતીક છે. શરણાગતની રક્ષા અને સ્વાભિમાનની જાળવણી માટે જામ સતાજીની સેના સાથે અનેક વીરોએ ભૂચરમોરીના મેદાનમાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. આ વીરગાથા આજે પણ સૌરાષ્ટ્રની શૌર્ય પરંપરા અને સંસ્કૃતિનું ગૌરવપૂર્ણ પ્રતીક બની રહી છે. ભૂચરમોરી માત્ર ઐતિહાસિક સ્થળ નથી, પરંતુ આવનારી પેઢીઓને શૌર્ય, સ્વાભિમાન, કર્તવ્યનિષ્ઠા અને શરણાગતની રક્ષા જેવા મૂલ્યોની પ્રેરણા આપતી પવિત્ર વીરભૂમિ છે. આવા ઐતિહાસિક સ્થળો અને વીરપુરુષોની ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવી એ આપણી સામૂહિક જવાબદારી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યો છે. સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ કરવાની દિશામાં ગુજરાત પણ વિકાસના અનેક નવા આયામો સર કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર યુવાનો માટે શિક્ષણ, કૌશલ્ય, રોજગાર અને ઉદ્યોગસાહસિકતાની નવી તકો ઊભી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે હવે સમાજની પણ જવાબદારી છે કે કૌશલ્યવાન, શિક્ષિત, સંસ્કારી અને વ્યસનમુક્ત યુવા પેઢી તૈયાર કરીએ. વ્યસનમુક્ત, સંસ્કારી અને સંવેદનશીલ આજની યુવા પેઢી જ આવતીકાલના ભારતનું નિર્માણ કરશે.
   કાર્યક્રમમાં રાજ્ય મહેસુલ મંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, ભૂચર મોરીનું મેદાન સ્વરાજના ગૌરવ અને શૌર્યનું સાથે સામાજિક સમરસતા અને એકતાનું પ્રતિક છે. શ્રેષ્ઠ ભારત એક ભારતનો જીવંત સંદેશ સાડા ચારસો વર્ષ પહેલાં જામનગરના ભૂચર મોરીના મેદાનમાં લખાઈ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા અમૃતકાળના ‘પંચ પ્રાણ’માં એક છે, ‘આપણા વારસા પર ગર્વ કરો.’ વર્ષો સુધી આપણા ઇતિહાસના અનેક નાયકો પુસ્તકોના પાનાઓ સુધી પણ યોગ્ય સ્થાન મેળવી શક્યા નહોતા. આવા વીર નાયકોને રાષ્ટ્રીય ફલક પર સન્માન અપાવવાનું અને તેમની ગૌરવગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું કામ આજે થઈ રહ્યું છે. ‘મારી માટી, મારો દેશ’ અને ‘હર ઘર તિરંગા’ જેવા અભિયાનો દ્વારા શહીદો અને વીર સપૂતોની સ્મૃતિને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી છે.
યુવા શક્તિને રમતગમત જેવા સકારાત્મક ક્ષેત્રોમાં દિશા આપવી અને નશામુક્ત સમાજના નિર્માણ માટે સતત કાર્ય કરવું આજની પેઢી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભૂચરમોરી ખાતે આયોજિત વિવિધ પરંપરાગત સ્પર્ધાઓના આયોજનમાં સરકાર દ્વારા સહકાર મળતા યુવાઓને પણ પ્રોત્સાહન મળ્યું છે. 
કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જામનગર જિલ્લા કલેકટર પી.બી.પંડ્યા, જિલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલીયા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાજકુમારસિંહ, દશરથબા, ડો.જયેન્દ્ર જાડેજા, પી.ટી.જાડેજા સહિતના આગેવાનો, અગ્રણીઓ, અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(7:22 PM IST)