તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
ધ્રોલના ગાંધી ચોકમાં શ્રી મચ્છોમાં મિત્ર મંડળ દ્વારા ૩૫મા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી: માનવ મહેરામણ ઊમટ્યો
મટકી ફોડ, મહાઆરતી, ડીજે રાસ અને આતશબાજી વચ્ચે ધારાસભ્ય સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત; ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉત્સવ સંપન્ન

(સંજય ડાંગર ધ્રોલ ) ધ્રોલ: શહેરના ઐતિહાસિક ગાંધી ચોક ખાતે ‘આઈ શ્રી મચ્છોમાં મિત્ર મંડળ’ દ્વારા ૩૫મા જન્માષ્ટમી મહોત્સવનું અતિ ભવ્ય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ જન્મોત્સવના આ પાવન અવસરે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડતાં સમગ્ર ગાંધી ચોક 'જય શ્રી કૃષ્ણ'ના નારાથી ગુંજી ઊઠ્યો હતો.
મહોત્સવ દરમિયાન મટકી ફોડ, અમરનાથ દર્શન, મહાઆરતી, ડીજેના તાલે રાસોત્સવ, કેક કટિંગ તેમજ રાત્રિના આકાશને ઝગમગાવતી ભવ્ય આતશબાજી જેવાં અનેકવિધ આકર્ષક કાર્યક્રમો યોજાયા હતા. આ મહોત્સવને સફળ બનાવવા માટે સી. એમ. વરુ, સીધાભાઈ વરુ, જયેશભાઈ વરુ તેમજ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
રાજકીય-સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ
આ ધર્મોત્સવમાં અતિથિ વિશેષ તરીકે કાલાવડ-ધ્રોલના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઈ દલસાણીયા, જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ નવલભાઈ મુંગરા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેન કોટેચા, પૂર્વ પ્રમુખ વિરમભાઈ વરુ, ખીમાભાઇ વરુ, પૂર્વ કોર્પોરેટર કારાભાઈ વરુ, જીલ્લા ભાજપ પૂર્વ ઉપ પ્રમુખ ડી.ડી જીવાણી, તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો અને સ્થાનિક આગેવાનો ખાસ હાજર રહ્યા હતા અને મટકી ફોડના ઉત્સાહમાં સહભાગી બન્યા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ સંપન્ન
ભારે જનમેદનીને ધ્યાને રાખી ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એન. ખાચર તેમજ સમગ્ર પોલીસ કાફલા દ્વારા સઘન અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ તંત્રના ખડેપગે રહેલા જવાનોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થયો હતો.
કાર્યક્રમના અંતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉત્સવને સફળ બનાવવા બદલ આઈ શ્રી મચ્છો મિત્ર મંડળ દ્વારા ઉપસ્થિત તમામ નગરજનો, મહેમાનો અને પોલીસ પ્રશાસનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
