News of Tuesday, 14th April 2026
કોંગ્રેસના 40 થી વધુ લડવૈયાઓ અચાનક રાજસ્થાન મોકલી દેવાયા :ભાજપની બિનહરીફ થવાની યોજનાને નિષ્ફળ બનાવવા કવાયત
સુરેન્દ્રનગરના રાજકીય આકાશમાં અત્યારે ભારે ઉથલપાથલના વાદળો છવાયા :ભાજપ દ્વારા તોડજોડ અને ફોર્મ પરત ખેંચાવવાના ડરથી લેવાયો નિર્ણય

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વિપક્ષ કોંગ્રેસને પોતાના ઉમેદવારો તૂટવાનો અને સત્તાધારી ભાજપ દ્વારા તોડજોડની રાજનીતિ કરવામાં આવે તેવો ડર સતાવી રહ્યો છે. આ પરિસ્થિતિને ટાળવા માટે કોંગ્રેસે હાઈપ્રોફાઈલ 'રિસોર્ટ પોલિટિક્સ' નો આશરો લીધો છે.
ચૂંટણીની પ્રક્રિયામાં ફોર્મ ચકાસણી બાદ હવે ફોર્મ પરત ખેંચવાની મુદત બાકી છે. કોંગ્રેસને આશંકા છે કે ભાજપ દ્વારા તેમના ઉમેદવારો પર દબાણ લાવી અથવા લાલચ આપીને ફોર્મ પરત ખેંચાવવામાં આવી શકે છે. જો કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાંથી હટી જાય, તો ભાજપ ઘણી બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થઈ શકે તેમ છે. આ શક્યતાને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે કોંગ્રેસના મોવડીમંડળે રાતોરાત 40 થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે.
રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી ચર્ચા મુજબ, આ તમામ ઉમેદવારોને પાડોશી રાજ્ય રાજસ્થાનના કોઈ આલીશાન રિસોર્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી ફોર્મ પરત ખેંચવાની અંતિમ મિનિટ વીતી ન જાય ત્યાં સુધી આ ઉમેદવારોને બાહ્ય દુનિયા અને વિરોધી પક્ષના સંપર્કથી દૂર રાખવામાં આવશે. સુરેન્દ્રનગરની જનતામાં પણ આ 'પોલિટિકલ શિફ્ટિંગ' ચર્ચાનો વિષય બન્યું છે. કોંગ્રેસના આ આક્રમક બચાવત્મક અભિગમે ભાજપની રણનીતિ સામે પડકાર ફેંક્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ રિસોર્ટ પોલિટિક્સ કોંગ્રેસને સત્તા અપાવવામાં કેટલી મદદરૂપ સાબિત થાય છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
