<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

જોડિયા-ધ્રોલ પંથકમાં જપ્ત કરાયેલા રૂ.૧૦.૬૭ લાખના દારૂની ૪,૦૫૮ બોટલો પર રોડ રોલર ફેરવી દેવાયું

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૬: જોડિયા અને ધ્રોલ પોલીસ મથક વિસ્‍તારમાં છેલ્લા ત્રણ મહિનામાં અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા રૂ. ૧૦.૬૭ લાખની અંદાજિત કિંમતના દારૂની કુલ ૪,૦૫૮ બોટલોનો કોર્ટની મંજૂરી બાદ રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્‍યો હતો. ધ્રોલ પ્રાંત અધિકારી ગૌતમ એમ. લોદલિયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ હાઇવે પર આવેલા સરકારી ખરાબાના ખુલ્લા મેદાનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તમામ ૪,૦૫૮ બોટલો ખુલ્લા મેદાનમાં પાથરી તેના પર ભારે રોડ રોલર ફેરવવામાં આવતાં બોટલો તૂટી ગઈ હતી અને દારૂનો જથ્‍થો નાશ પામ્‍યો હતો.

જામનગર ગ્રામ્‍યના ડીવાયએસપી પિયુષ વાંદા, ધ્રોલ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર પી.એન. ખાચર, જોડિયા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે.પી. સોઢા તથા નશાબંધી વિભાગના અધિકારી વાળા સહિત પોલીસ સ્‍ટાફ અને આબકારી વિભાગના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. દારૂના જથ્‍થાના નાશ દરમિયાન વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આમ, જોડિયા અને ધ્રોલ પંથકમાંથી છેલ્લા ત્રણ મહિનામાં જપ્ત કરાયેલા રૂ. ૧૦.૬૭ લાખની કિંમતના વિદેશી દારૂની ૪,૦૫૮ બોટલોનો કાયદેસરની મંજૂરી બાદ નાશ કરવામાં આવ્‍યો હતો.

(10:32 AM IST)