News of Sunday, 11th October 2026
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાનનો દિવ્ય પ્રારંભ
"નવરાત્રિ આહાર, વાણી અને મનનો સંયમ રાખીને મા દુર્ગાની ઉપાસના કરવાનું પર્વ છે" - ભાઈશ્રી : શ્રીરામચરિત માનસ પાઠ, કુમારિકા પૂજન અને યજ્ઞશાળામાં ઘટસ્થાપન સાથે અનેક ધાર્મિક મનોરથો સંપન્ન

પોરબંદર: પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના દિવ્ય સાન્નિધ્યમાં ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન-૨૦૨૬ નો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પવિત્ર અવસરે શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાન, શ્રી હરિ મંદિરમાં કરુણામયી માની ષોડશોપચાર પૂજા, વિવિધ મનોરથો, કુમારિકા પૂજન, યજ્ઞશાળામાં ઘટસ્થાપન સાથે મા દુર્ગાનું વિધિવત્ પૂજન તેમજ શ્રીભક્તમાલ કથાનો શુભારંભ થયો છે.
૪૫મા શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનનો પ્રારંભ:
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવના શુભ અવસરે દર વર્ષની પરંપરા મુજબ સવારે શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અનુષ્ઠાનના પ્રારંભ પૂર્વે મુખ્ય મનોરથી દ્વારા શ્રીરામચરિત માનસની પોથીશ્રીનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું. પોથીપૂજન સંપન્ન થયા બાદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સસ્વર મંગલ વેદપાઠનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું.
ભાઈશ્રીના દિવ્ય આશીર્વચન:
શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનના પ્રારંભ પૂર્વે આશીર્વચન આપતા ભાઈશ્રીએ જણાવ્યું હતું કે પરામ્બા ભગવતી મા કરુણામયીની કૃપાથી અને ભગવાન શ્રી હરિના અસીમ અનુગ્રહથી આપણું આ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન ૪૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. દ્વારકાજીથી શરૂ થયેલી આ અનુષ્ઠાન યાત્રા જામરાવલમાં સાંદીપનિના પૂર્વ ટ્રસ્ટી તુલસીભાઈના ફાર્મ પરથી થઈને સાંદીપનિના પાવન પ્રાંગણમાં પહોંચી છે. આ અનુષ્ઠાન અંગે વૃંદાવન રમણરેતીના કાર્ષ્ણિ ગુરુ શરણાનંદજી મહારાજને ફોન પર પ્રણામ કર્યા ત્યારે તેમણે પણ પિસ્તાલીસ વર્ષથી આની નિરંતરતા જળવાઈ રહી છે તે બદલ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા.
ભાઈશ્રીએ અનુષ્ઠાનનું મહત્ત્વ સમજાવતા ઉમેર્યું હતું કે જે લોકો અહીં રૂબરૂ નથી પહોંચી શક્યા, તેઓ પોતાના ઘરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી સાંદીપનિ ડૉટ ટીવી, યુટ્યુબ ચેનલ અથવા સોશિયલ મીડિયા દ્વારા લાઇવ જોડાઈને પાઠ કરે છે, જે ખૂબ જ આનંદની વાત છે. મોટા શહેરોમાં રાત્રે ગરબાના આયોજનો થાય છે તે સારી બાબત છે, પરંતુ તેની સાથે નવરાત્રિ એ સંયમનું પર્વ છે. નવરાત્રિ એ આહારનો સંયમ, વાણીનો સંયમ, મનનો સંયમ અને સંયમ સાથે પરામ્બા ભગવતી મા શક્તિ સ્વરૂપ મા દુર્ગાની ઉપાસના કરવાનું પર્વ છે. માતાજી મહિષાસુરમર્દિની છે અને રામચરિતમાનસ અનુસાર મોહ જ મહિષાસુર છે તેમજ મોહ જ બધી વ્યાધિઓનું મૂળ છે. આપણામાં રહેલી આસુરી વૃત્તિઓનો નાશ કરનારી પરામ્બા ભગવતી અષ્ટભુજાના હાથમાં રહેલા શસ્ત્રો સાધકોની સાધનાના પ્રતીક છે, જે આપણા આંતરિક અસુરનો નાશ કરી જીવનમાં સાચા અર્થમાં વિજયાદશમી લાવે છે. આ ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં દાર-એસ-સલામથી સંજયભાઈ સૂચક પુરા પરિવાર સાથે મુખ્ય મનોરથી તરીકે જોડાવા બદલ ભાઈશ્રીએ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથો અને યજ્ઞશાળામાં ઘટસ્થાપન:
શ્રી હરિ મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે કરુણામયી માનું ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય ભાઈશ્રી તેમજ મુખ્ય મનોરથી પરિવાર દ્વારા વિશેષ રૂપે ૧૦ કુમારિકાઓનું પૂજન કરી તેમને ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રીહરિ મંદિરમાં ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા શતચંડી પાઠના મનોરથનો પ્રારંભ કરાયો હતો, જેમાં દેશ-વિદેશથી અનેક મનોરથીઓ જોડાયા છે. સંસ્કૃત વૈદિક વાંગ્મયના સર્વદર્શન સંગ્રહના પાઠનો પણ પ્રારંભ થયો હતો.
સાંદીપનિ યજ્ઞશાળામાં શુભ મુહૂર્તમાં વિધિવત્ ઘટસ્થાપના તથા નવરાત્રીના મુખ્ય મનોરથી દ્વારા મા દુર્ગાનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. પૂજન બાદ ભાઈશ્રી તથા મનોરથી પરિવાર દ્વારા કુમારિકા પૂજન કરાયું હતું. યજ્ઞશાળામાં ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ નવરાત્રિ દરમિયાન ચાલનારા દેવી ભાગવત મહાપુરાણના મૂળપાઠના અનુષ્ઠાનનો પણ દિવ્ય પ્રારંભ થયો છે.
શ્રીભક્તમાલ કથા અને દંત-ચિકિત્સા કેમ્પ:
બપોર પછીના સત્રમાં શ્રી શરણાગત આશ્રમ વૃંદાવનના પરમ પૂજ્ય બિહારીદાસ ભક્તમાલીજીના વદનકમળથી શ્રીભક્તમાલ કથાનો મંગલ પ્રારંભ થયો હતો, જે પૂર્વે મુખ્ય મનોરથી દ્વારા મહારાજશ્રીનું પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે માનવસેવા રૂપે નવ દિવસીય દંત-ચિકિત્સા કેમ્પનો પ્રારંભ ઋષિકુમારોના વૈદિક મંત્રોચ્ચાર અને મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય સાથે થયો હતો. ગવરીદળ, રાજકોટના જાલંધરબંધ યોગ પદ્ધતિના સુવિખ્યાત દંતવૈદ્ય ડૉ. સરોજબેન જોશી અને તેમની ટીમ દ્વારા આ દંતયજ્ઞ તા. ૧૯-૧૦-૨૦૨૬ સુધી પ્રતિદિન સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે.
શ્રીહરિ મંદિરમાં શૃંગાર દર્શન અને પ્રાચીન રાસ-ગરબા:
શ્રીહરિ મંદિરમાં મા કરુણામયીના દિવ્ય ઝાંકી દર્શન યોજાયા હતા. સાયં આરતી બાદ ભાઈશ્રી દ્વારા ગરબાનું પંચોપચાર પૂજન કરીને ગરબો પ્રગટાવામાં આવ્યો હતો અને પ્રાચીન ગરબાના ગાન સાથે દિવ્ય રાસ-ગરબા સંપન્ન થયા હતા. આ અનુષ્ઠાનમાં દેશ-વિદેશ તેમજ પોરબંદર અને આસપાસના અનેક ભાવિકજનો ઉપસ્થિત રહીને કથા શ્રવણ અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
