તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
કોડીનારના દુદાણા ગામે ધોળા દિવસે ૫ સિંહોએ ખેડૂતના પશુનું મારણ કરતા ભયનો માહોલ
વારંવારના આંટાફેરા બાદ સિંહ પરિવારના હુમલાથી ખેડૂતોમાં ચિંતા, વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૨૯: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દુદાણા ગામમાં સિંહ પરિવારના વધતા આંટાફેરાથી ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ધોળા દિવસે પાંચ સિંહોએ ગામની સીમમાં આવેલી ખેડૂતની વાડીમાં ઘૂસી પશુનું મારણ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
દુદાણા ગામના ખેડૂત કુમારભાઈ ગોવિંદભાઈ રાઠોડની વાડીમાં પાંચ સિંહો એકસાથે ઘૂસી આવ્યા હતા. સિંહ પરિવારે પશુનો શિકાર કરતાં ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા દિવસોથી દુદાણા ગામ તથા આસપાસના ખેતીવાડી વિસ્તારમાં સિંહોના સતત આંટાફેરા જોવા મળી રહ્યા છે. અગાઉ માત્ર સિંહો દેખાતા હોવાની ઘટનાઓ સામે આવતી હતી, પરંતુ હવે પશુઓ પર હુમલાની ઘટના બનતા ખેડૂતોમાં પોતાના પશુધન અને પરિવારની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત કરીને સિંહ પરિવારને તાત્કાલિક સલામત રીતે ગીરના જંગલ વિસ્તારમાં ખસેડવા તેમજ ગામ અને ખેતીવાડી વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. આ ઘટનાને પગલે દુદાણા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
