News of Thursday, 19th November 2026
થાનગઢના વેલાળા અને જામવાળી સીમમાં ૫૦૦ ટન કોલસો જપ્ત!

વઢવાણ, તા.૧૯: થાનગઢ વિસ્તારમાં ગેરકાયદે ખનીજ અને કોલસા ચોરીની પ્રવળત્તિઓ સામે સ્થાનિક પોલીસ દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. થાનગઢ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વેલાળા અને જામવાળી ગામની સીમમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન કરોડો રૂપિયાની કિંમતનું ગેરકાયદે કાર્બોસેલ કોલસાનું ખનન ઝડપાઈ જતાં ખનિજ માફિયાઓમાં ભારે હડકંપ મચી ગયો છે.
તપાસ મુજબ, વેલાળા ગામની સીમમાંથી ૧ ટ્રેક્ટર, ૬ લોખંડના પાઇપ અને ૧૦૦ મેટ્રિક ટન ગેરકાયદે કોલસો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂપિયા ૮.૧૦ લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત, જામવાળી ગામની સીમમાં હાથ ધરેલી તપાસમાં ૧૭ લોખંડના પાઇપ, ૭ ડીઝલ ચરખી અને ૪૦૦ મેટ્રિક ટન કોલસો મળી આવ્યો હતો, જેની કિંમત રૂપિયા ૧૭.૬૫ લાખ થાય છે. આમ, પોલીસે બંને સ્થળો પરથી કુલ ૫૦૦ મેટ્રિક ટન કોલસો અને અન્ય સાધનો સહિત કુલ રૂપિયા ૨૫.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ચોટીલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એસ. એસ. ભદોરિયાના માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું
પોલીસે બંને જગ્યાએથી જપ્ત કરેલા તમામ મુદ્દામાલ અને સાધનો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના ખાણ-ખનિજ વિભાગને જાણ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા અન્ય શખ્સો સામે પણ કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
