<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

આગોતરા વાવેતર માટે ધ્રોલ ઉંડ-૧ ડેમના ૬ દરવાજા ખોલાયા

ચેકડેમો અને જળાશયો છલકાશેઃડેમના દરવાજા ખોલીને નદીના પટમાં સતત પાણી છોડવાનું શરૃ કરી દેવાયું છે

જામનગર : ધ્રોલ તાલુકાના ખેડૂતો માટે સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વનો અને રાહતરૃપ નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ સિઝનમાં ખેડૂતોના આગોતરા વાવેતર અને સિંચાઈની જરૃરિયાતને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ધ્રોલના જાણીતા ઉંડ-૧ ડેમના ૬ દરવાજા ૧ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલીને નદીના પટમાં સતત પાણી છોડવાનું શરૃ કરી દેવાયું છે.

ડેમમાંથી પાણી છોડવાના કારણે નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા તમામ ચેકડેમો તથા અન્ય નાના જળાશયો પાણીથી તૃપ્ત થઈ જશે. આ પાણીના કારણે ભૂગર્ભ જળના સ્તર પણ ઊંચા આવશે, જેનાથી સ્થાનિક ખેડૂતોને ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.

ચોમાસાની શરૃઆત પહેલા જે ખેડૂતોએ આગોતરા વાવેતરનું આયોજન કર્યું છે અથવા વાવેતર કરી દીધું છે, તેમના માટે આ પાણી અમૃત સમાન સાબિત થશે. સરકારના આ લોકાભિમુખ નિર્ણયથી ધ્રોલ પંથકના જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સિંચાઈની ચિંતા દૂર થઈ છે.

(9:52 PM IST)