<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

ધોરાજીમાં સાંબેલા ધારે ૬ ઇંચ સાથે ૩ દિ'માં ૧૦ ઇંચઃ સાવેણી નદીનું ડાયવર્ઝન તુટયુ

પંચનાથ મંદિરે થયો પ્રકૃતિનો અભિષેકઃ ઝાંઝમેર - સોડવદર માર્ગ બંધઃ સફુરા નદીમાં ૩ ભેંસો તણાઇ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૪: ધોરાજીમાં સતત ત્રીજા દિવસે મેઘ સવારી ચાલુ રહેતા ધોરાજીમાં જાણે જળ બંબાકાર હોય એ પ્રકારે એક જ દિવસમાં છ ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો

ધોરાજીમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની અવિરત સવારી ચાલુ રહેતા શુક્રવારે સવારે વરસાદ ચાલુ થતા બપોર સુધીમાં બે ઇંચ જેઓ  વરસાદ વરસી ગયો હતો બાદ બપોરે એક કલાકમાં ભારે વરસાદ આવતા ચાર ઇંચ જેવો વરસાદ સાંજના છ વાગ્‍યા સુધીમાં પડી ગયો છે એટલે સવારથી સાંજ સુધીમાં છ ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂકયો છે ભારે વરસાદ ને કારણે ધોરાજીના સ્‍ટેશન રોડ પોસ્‍ટ ઓફિસ ચોક ત્રણ દરવાજા જુનાગઢ રોડ પીરખાના કુવા ચોક હોકળા કાંઠા વિસ્‍તાર નદી બજાર માધવ ગૌશાળા શાકમાર્કેટ ચોક વગેરે વિસ્‍તારોમાં પાણી ભરાણા હતા.

ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓને પણ સ્‍કૂલ છૂટી ત્‍યારે મુશ્‍કેલી ભોગવી પડી હતી. લોકોના જણાવ્‍યા મુજબ નગરપાલિકાની પ્રીમોનસુન કામગીરી પણ નિષ્‍ફળ નિવડી હોય તેવું જોવા મળી રહ્યું હતું ઠેર ઠેર ખાડાઓ પ્રથમ વરસાદમાં જ પડી ગયા હતા.

હાલમાં સિઝનનો કુલ વરસાદ ત્રણ દિવસમાં ૧૦ ઇંચ જેવો નોંધાઈ ગયો છે.

આ બાબતે ખેડૂતોમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે અને અષાઢી બીજ પહેલા જ વાવેતરના મુરત અને લાપસીના આંધળ મુકાઈ ગયા છે.

શહેરના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાવાની સ્‍થિતિ સર્જાઈ હતી. માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતાં વાહનચાલકોને મુશ્‍કેલીઓનો સામનો કરવો પડ્‍યો હતો, જ્‍યારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી.

મોસમના પ્રથમ નોંધપાત્ર વરસાદે ધોરાજીના ઐતિહાસિક અને આસ્‍થાના કેન્‍દ્ર એવા પંચનાથ મહાદેવ મંદિરને જાણે પ્રકળતિ દ્વારા જળાભિષેક કરવામાં આવ્‍યો હોય તેવા દ્રશ્‍યો સર્જાયા હતા.

 પંચનાથ મહાદેવ મંદિર ના મહંત મહામંડલેશ્વર શ્રી શ્રદ્ધાનંદ ગિરીજી મહારાજ એ જણાવેલ કે દર વર્ષે ચોમાસામાં ધોરાજીના પ્રાચીન ગણાતા શ્રી પંચનાથ મહાદેવ મંદિર ખાતે કુદરતી નિયમ પ્રમાણે ભગવાન શિવજીનો અભિષેક કરવા માટે નદીમાંથી મંદિર સુધી ચાર ફૂટ પાણી ઉપર આવીને દર વર્ષે સ્‍વયંભૂ ભગવાન પંચનાથ ને જલાભિષેક થઈ રહ્યો છે તે અલૌકિક દ્રશ્‍ય ધોરાજીમાં જોવા મળી રહ્યું છે.

ધોરાજી નજીક પસાર થતી શફુરા નદીમાં પાણીની આવક વધતા મંદિર પરિસરનો નજારો મનમોહક બની ગયો હતો અને ભક્‍તોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.

ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા હતા. સારા વરસાદથી ખેતી માટે અનુકૂળ પરિસ્‍થિતિ સર્જાતા ખેડૂતોએ આગામી વાવેતરની તૈયારીઓ તેજ કરી છે.

તાલુકાના ઝાંઝમેર ગામથી સોડવદર થઈ જામનગર તરફ જવાના મુખ્‍ય માર્ગ પર આવેલી સાવેણી નદી ઉપર નવા પુલની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. પુલનું કામ ચાલુ હોવાથી વાહન વ્‍યવહાર માટે બાજુમાં તાત્‍કાલિક ડ્રાયવર્ઝન બનાવવામાં આવ્‍યું હતું, પરંતુ ગઈકાલે ઝાંઝમેર ગામ વિસ્‍તારમાં પડેલા ભારે વરસાદને કારણે આ ડ્રાયવર્ઝનનું સંપૂર્ણ ધોવાણ થઈ જતાં વાહન વ્‍યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

સાવેણી નદી ઉપર આવેલ પુલ ઝાંઝમેર, સોડવદર, ખજૂરા, ટીમડી, જામકંડોરણા તેમજ જામનગર સહિત અનેક ગામોને જોડતો મહત્‍વપૂર્ણ માર્ગ છે. હાલ પુલની કામગીરી ચાલુ હોવાથી લોકો માટે આ એકમાત્ર વૈકલ્‍પિક માર્ગ એટલે કે ડ્રાયવર્ઝન જ અવરજવરનું સાધન હતું. જોકે સતત વરસેલા વરસાદના કારણે નદીમાં પાણીનો ઙ્કવાહ વધી જતા ડ્રાયવર્ઝન તૂટી પડ્‍યું છે.

ડ્રાયવર્ઝનનું ધોવાણ થતાં ઝાંઝમેરથી સોડવદર, ખજૂરા, ટીમડી અને જામનગર તરફ જતો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પરિણામે રોજિંદા અવરજવર કરતા લોકો, ખેડૂતો, વેપારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો રસ્‍તા બંધ હોવાથી અટવાઈ ગયા છે અને લોકોને લાંબા અંતરના વૈકલ્‍પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.

સ્‍થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઝાંઝમેર ગામના સરપંચ સંબંધિત વિભાગના અધિકારીઓ સમક્ષ તાત્‍કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેમણે જણાવ્‍યું છે કે વરસાદી સિઝનને ધ્‍યાનમાં રાખીને ડ્રાયવર્ઝનને વધુ મજબૂત બનાવવું જરૂરી હતું, પરંતુ પૂરતી વ્‍યવસ્‍થા ન હોવાને કારણે આજે ગ્રામજનોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઝાંઝમેર ગામના સરપંચ  કિરણબેન બગડા એ તંત્રને તાત્‍કાલિક ધોરણે ડ્રાયવર્ઝનની મરામત કરીને વાહન વ્‍યવહાર ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે, જેથી આસપાસના ગામોના લોકોની અવરજવર ફરીથી સામાન્‍ય બની શકે.

વીડિયો વાયરલ,

સ્‍થાનિકોમાં ચિંતા

ભારે વરસાદને પગલે સફુરા નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. નદીમાં આવેલા જોરદાર પ્રવાહ દરમિયાન ત્રણ ભેંસો પાણીમાં ફસાઈ તણાઈ રહી હોવાના દ્રશ્‍યો સ્‍થાનિક લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં કેદ કર્યા હતા. ત્‍યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.

વીડિયોમાં ભેંસો પ્રવાહ સામે સંઘર્ષ કરતી જોવા મળતા પશુપાલકો તેમજ સ્‍થાનિક નાગરિકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. જોકે, આ ભેંસો કોની માલિકીની છે તેમજ તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

(11:03 AM IST)