<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

પાટણમાં ધોળા દિવસે ધડાધડ ૬ રાઉન્ડ ફાયરિંગથી ફફડાટ : નામચીન શખ્સના જીમને બનાવાયું નિશાન

ગોલ્ડન ચોકડીથી હાંસાપુર રોડ પર શ્રેય મોલ પાસે બાઈક પર આવેલા બુકાનીધારી શખસોએ ફાયરિંગ કરી ફરાર થયા, રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત LCB, SOG, બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે, આરોપીઓને ઝડપવા નાકાબંધી

(જયંતીભાઈ ઠક્કર દ્વારા)પાટણ તા.૧૭ :  પાટણ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ગોલ્ડન ચોકડીથી હાંસાપુર રોડ ઉપર આવેલ શ્રેય મોલ પાસે ધડાધડ ૬ રાઉન્ડ ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

 

પ્રાપ્ત વિગતો મુજબ મોટર સાયકલ ઉપર સવાર બુકાનીધારી શખસો આવ્યા હતા અને નામચીન શખ્સના જીમને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. એક પછી એક ૬ રાઉન્ડ ફાયરિંગ કરીને શખસો ભયનો માહોલ ઊભો કરીને ફરાર થઈ ગયા હતા.

 

રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

 

ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત LCB, SOG ના પી.આઈ. અને બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

મોટર સાયકલ સવાર ઈસમોને ઝડપી પાડવા માટે શહેરભરમાં નાકાબંધી કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. ફાયરિંગ પાછળનું કારણ શું છે, કોનો ઈશારો હતો અને આરોપીઓ કોણ છે તે અંગે પોલીસે તપાસ તેજ કરી છે.

(2:31 PM IST)