<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

ભાવનગરની ૬ વર્ષની બાળકી ફ્રેયા રાઠોડે મેન્ટલ એરીથમેટીકની નેશનલ ડીઝીટલ કોમ્પિટીશનમાં મેળવ્યું વિજેતા પદ

ફ્રેયાએ પોતાની તીવ્ર બુદ્ધિક્ષમતા અને ઝડપી ગણતરીના કૌશલ્યના જોરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિજેતા પદ હાંસલ કર્યું

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરની બાળ પ્રતિભાઓ રાષ્ટ્રીય ફલક પર સતત ઝળકી રહી છે, ત્યારે ભાવનગરનાશહેર માં રહેતી અને ધોરણ-૧ માં અભ્યાસ કરતી એક નાની બાળકીએ ગણિત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડીને ભાવનગરનું નામ રોશન કર્યું છે. ભાવનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ધોરણ-૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફ્રેયા મિતલબેન ચિરાગભાઈ રાઠોડ તાજેતરમાં યોજાયેલી પ્રતિષ્ઠિત 'મેન્ટલ એરીથમેટીક નેશનલ લેવલ ડીઝીટલ કોમ્પિટીશન ૨૦૨૬' માં વિજેતા જાહેર થઈ છે.

     માનસિક ગણતરીઓ આધારિત આ અઘરી રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરમાંથી અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ફ્રેયાએ પોતાની તીવ્ર બુદ્ધિક્ષમતા અને ઝડપી ગણતરીના કૌશલ્યના જોરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિજેતા પદ હાંસલ કર્યું છે. એટલી નાની ઉંમરે કમ્પ્યુટર કે ડીઝીટલ માધ્યમથી ગણિતના અઘરા કોયડાઓ ગણતરીની સેકન્ડોમાં ઉકેલીને ફ્રેયાએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.
  ફ્રેયાની આ અસાધારણ સિદ્ધિ બદલ તેને આ ક્ષેત્રે વિશેષ તાલીમ આપનાર બ્રેઈની કાળાનાળા સેન્ટરના સમગ્ર સ્ટાફગણ તેમજ શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ પરિવારમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ફ્રેયાની આ ગૌરવપૂર્ણ સફળતાને બિરદાવવા માટે શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ અને ધ ગ્લોબલ જ્ઞાનગુરૂ સ્કૂલના સંચાલકશ્રી મનહરભાઈ રાઠોડ તેમજ મિતલબેન રાઠોડ સહિતના મહાનુભાવોએ તેને ખાસ અભિનંદન પાઠવ્યા હતા અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવનાર ફ્રેયા પર હાલ ચોમેરથી અવિરત શુભેચ્છા વર્ષા થઈ રહી છે

(7:05 PM IST)