તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 26th October 2026
કચ્છના રાપરમાં એલસીબીએ ફોર્ચ્યુનર કારનો ફિલ્મી ઢબે પીછો કરી ૬.૪૮ લાખનો દારૂ ઝડપ્યો
કાર ચાલક ખેતરમાં ફોર્ચ્યુનર છોડી ફરાર, કારમાંથી વિદેશી દારૂની ૪,૮૦૮ બોટલ મળી, કુલ રૂ. ૧૪.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત; ત્રણ કુખ્યાત બુટલેગરો સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરાઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬: પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે રાપર વિસ્તારમાં ફિલ્મી ઢબે ફોર્ચ્યુનર કારનો પીછો કરી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસથી બચવા કારચાલક ખેતરમાં કાર છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની ૪,૮૦૮ બોટલ મળી આવી હતી. પોલીસે કાર સહિત કુલ રૂ. ૧૪,૪૮,૫૨૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
LCB પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજિયાના માર્ગદર્શન હેઠળ ટીમ રાપર વિસ્તારમાં પેટ્રોલિગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાનપર ઉમૈયા સીમ વિસ્તારમાં શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર પર નજર રાખવામાં આવી હતી. પોલીસને જોઈ કારચાલકે ભાગવાનો પ્રયાસ કરતાં LCBની ટીમે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જોકે, કારચાલક ખેતરમાં કાર મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.
પોલીસે આ કારની તલાશી લેતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પાર્ટી સ્પેશિયલ ગોલ્ડ પ્રીમિયમ વ્હિસ્કીની ૧૮૦ મિલીલીટરની ૪,૭૦૦ બોટલ અને ૭૫૦ મિલીલીટરની ૧૦૮ બોટલ મળી કુલ ૪,૮૦૮ બોટલ મળી આવી હતી. દારૂના જથ્થાની કિમત રૂ. ૬,૪૮,૫૨૦ જ્યારે ફોર્ચ્યુનર કારની કિમત આશરે રૂ. ૮ લાખ ગણવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ. ૧૪,૪૮,૫૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ મનજી માવજી કોલી, પરબત દેવા ભરવાડ અને ગંગારામ વેરશી કોલી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ રેકોર્ડ મુજબ ફરાર આરોપી ત્રણેય બુટલેગરો સામે અગાઉ પણ રાપર, આડેસર, સામખિયાળી અને બાલાસર પોલીસ મથકોમાં પ્રોહિબિશન સહિતના ગુનાઓ નોંધાયેલા છે.
દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને હેરાફેરીમા અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી LCB પી.આઈ. એસ.વી. ગોજિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. (તસ્વીરઃ મુકેશ રાજગોર, રાપર)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
