<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

રૂપાલાની ટિકિટ રદ કરવા જસદણના કાઠી ક્ષત્રિય સમાજ અને કરણી સેના સોમવારે મામલતદારને આવેદનપત્ર પાઠવશે

ગઈ કાલે જ જસદણના રાજવી સત્‍યજીતકુમાર ખાચરે રૂપાલાને સમર્થન આપ્‍યા બાદ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્રની જાહેરાતથી ભારે ચર્ચા

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૧૩: જસદણ કાઠી સમાજ અને કરણી સેના દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સોમવારે સવારે ૧૧ વાગ્‍યે જસદણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે.

આ અંગે જસદણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઇ ગીડાના જણાવ્‍યા મુજબ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ટીપ્‍પણી કરવામાં આવી છે તેના અનુસંધાને જસદણ તાલુકા અને શહેરના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે જેમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જસદણ ખાતે આવેલ કાઠી સમાજના આસ્‍થા નું કેન્‍દ્ર એવા શ્રી જયતાબાપુની જગ્‍યાએ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દર્શન કરવા આવ્‍યા એ સમયે જસદણ દરબાર સત્‍યજીત કુમાર ખાચર દ્વારા કહેવામાં આવ્‍યું હતું કે બહોળો કાઠી સમાજ ખાસ કરીને જસદણ તાલુકા પંચાયતના સભ્‍ય શાંતુભાઇ ખાચર જસદણ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ અન્‍ય ભાજપના હોદ્દેદારો બધા અહીંયા હાજર છે અમો સાહેબને શુભેચ્‍છા આપીએ છીએ કે તેઓનો જંગી બહુમતીથી વિજય થાય.

હજુ ગઈ કાલે જ જસદણના રાજવી સત્‍યજીતકુમાર ખાચરના પુરુષોત્તમ રૂપાલાને સમર્થન બાદ સોમવારે મામલતદારને આવેદનપત્ર આપવાના બનાવે જસદણમાં પણ ઉત્તેજના જગાવી છે.

(3:47 PM IST)