<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

પાણશીણા પાસે ૭ જેટલા પશુનો શિકાર કરી એનું માસ ભરેલી સેન્‍ટ્રો કાર ગૌરક્ષકોના હાથે ઝડપાઇ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ,તા. ૧૫: લીંબડી, સાયલા અને ચોટીલાની સીમમાં મોટાપાયે નીલગાયનો શિકાર થતો હોવાની શક્‍યતા જોવા મળી રહી છે. જેથી આ માસ નીલગાયનું હોવાનું શક્‍યતાં છે. જાંબાઝ ગૌરક્ષકો દ્વારા સેન્‍ટ્રો કારનો પીછો કરીને કારને ઝડપી પાડી હતી. જોકે, કારમાં સવાર ત્રણ ઈસમો ફરાર થઇ ગયા હતા. પોલીસ અને ફોરેસ્‍ટ વિભાગ ઘટનાસ્‍થળે પહોંચ્‍યું હતું. ભાવનગર, લીંબડી, ચોટીલા અને સૌરાષ્ટ્રની જાંબાજ ગૌરક્ષાની ટીમ દ્વારા સંયુક્‍ત ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું.

આ વિસ્‍તારમાં પશુનો શિકાર કરી તેનું માસ અને ચામડાનો અમદાવાદના મીરજાપુરમાં મોટાપાયે વેચાણ માટે સેન્‍ટ્રો ગાડીમા લઈ જવાતો હોવાની બાતમીના આધારે જાંબાઝ ગૌરક્ષકો દ્વારા સાયલાથી લીમડી સુધી આ સેન્‍ટ્રો કારનો ફિલ્‍મી ઢબે પીછો કરતા પાણશીણા પાસે ત્રણ કસાઇઓ ગાડી મૂકી ફરાર થઇ ગયા હતા.

બાદમાં ગૌ રક્ષકોએ અંદર ગાડી ખોલીને જોતા અંદાજીત તેમાં પશુને કાપી તેની હત્‍યા કરી અને માસ કોથળામાં પેકિંગ કરેલું મળી આવ્‍યુ હતું. જે લોહીલુહાણ હાલતમાં ગાડીમાં પેક કરેલું જોવા મળ્‍યું હતું. આ માસ નીલ ગાયનું હોવાની શક્‍યતા છે. ગૌ રક્ષકોએ સ્‍થાનિક પોલીસ અને ફોરેસ્‍ટ ડિપાર્ટમેન્‍ટને જાણ કરી હતી.

આ સમગ્ર પ્રકરણમાં શિકાર કરનારા આ માલનું વેચાણ કરનારા અને આ ષડયંત્રના તમામ ચહેરાઓ પોલીસ અને જિલ્લાના ફોરેસ્‍ટ ડિપાર્ટમેન્‍ટ દ્વારા સંયુક્‍ત ઓપરેશન ટીમ બનાવી તપાસ કરી આવા ઈસમોની ધરપકડ કરી આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓની માંગણી છે.

(10:44 AM IST)