<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th April 2024

કાલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શ્રીરામ નવમીની ભવ્‍યતાથી ઉજવણી

ગામે ગામ શોભાયાત્રા, ધુન, ભજન, કિર્તન, પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે શ્રીરામ નવમી ઉત્‍સવની ભવ્‍યતાથી ઉજવણી કરાશે. ગામે ગામ શોભાયાત્રા, ધુન, ભજન, કિર્તન, મહાઆરતી, પ્રસાદ, સહિતના કાર્યક્રમો યોજાશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :  વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત શ્રી રામ જન્‍મ મહોત્‍સવ સમિતિ - ભાવનગર દ્વારા ૧૯૯૨ થી શરૂ કરી દર વર્ષે પરંપરાગત રીતે ભગવાન શ્રી રામલલાની શોભાયાત્રા ભાવનગરના રાજમાર્ગો પરથી નીકળતી હોય છે, ત્‍યારે આ વર્ષની ભવ્‍ય શોભાયાત્રા તા.૧૭-૪-૨૦૨૪ના દિવસે પરિમલ પાસે શ્રી રામમહલ, તપસ્‍વી બાપુની જગ્‍યાથી સાંજના - ૪-૦૦ કલાકે પ્રસ્‍થાન થવાની છે, આ શોભાયાત્રામાં ભાવનગરના સાધુ-સંતો, રાજનૈતિક અને સામાજિક આગેવાનો ઉપસ્‍થિત રહેશે, આ શોભાયાત્રામાં અખાડા, મિનિ ટ્રેન, વાંદરો, જીપ, આકર્ષક ફલોટ જોવા મળશે જે આ શોભાયાત્રાનું આકર્ષણનું કેન્‍દ્ર બનશે. આ શોભાયાત્રા શ્રી રામ મહલ થી પ્રસ્‍થાન થઈ, સહકારી હાર્ટ, ઝૂલેલાલ ચોક, સંત કવરરામ ચોક, કાળાનાળા, દાદાસાહેબ જૈન દેરાસર, તાલુકા પંચાયત, બિલેશ્વર મહાદેવ, ચાવડીગેટ, વિજય ટોકીઝ, પાનવાડી, જશોનાથ ચોક, વાસણઘાટ, વીર ભગતસિંહ ચોક, વિશ્વ હિન્‍દુ પરિષદ કાર્યાલય, જગદીશ મંદિર, ખારગેટ, જલારામ બાપા મંદિર ખારગેટ, મામાકોઠા, બાર્ટન લાઈબ્રેરી, કળષ્‍ણેશ્વર મહાદેવ, શિવરામ રાજ્‍યગુરુ ચોક, નવાપરા, પીપળીયા હનુમાનજીના મંદિરે થઈ ભીડભંજન મહાદેવ ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થશે આ શોભાયાત્રાની શરૂઆત અયોધ્‍યામાં ભવ્‍ય રામમંદિર બને તેવા સંકલ્‍પ સાથે આ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, આ વર્ષની ૨૨ જાન્‍યુઆરીના પાવન દિવસે અયોધ્‍યાના નવનિર્મિત રામમંદિરમાં ભગવાન રામલલાની ભવ્‍ય પ્રાણ-પ્રતિષ્ઠા થઈ અને તેની સાથે આ શોભાયાત્રાનો સંકલ્‍પ પૂર્ણ થયો હોય, જેનાથી લોકોમાં ભગવાન રામલલાની શોભાયાત્રાને લઈ વધુ ઉત્‍સાહ જોવા મળી રહ્યો હોય, ત્‍યારે આ વર્ષની શોભાયાત્રામાં હિન્‍દુએકતાને અખંડીત રાખવાના હેતુ સાથે બહોળી સંખ્‍યામાં હિન્‍દુ સમાજ જોડાય અને ફરી વખત આ જ વર્ષે રામમય વાતાવરણ બને તે માટે સમગ્ર હિન્‍દુ સમાજ ને આવાહન કરવામાં આવ્‍યું છે.

 ધ્રોલ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ : ધ્રોલ હિંદુસેનાના ઉપક્રમે આગામી તા. ૧૭ નાં રોજ રામનવમીના પવિત્ર તહેવારની ઉજવણી ભવ્‍ય ધામધૂમથી ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે.

આ પ્રસંગે ભવ્‍ય શોભાયાતરા બપોરે ૩.૩૦ કલાકે રી આંબા ભગતની જગ્‍યાએ થી પ્રસ્‍થાન કરશે. જે શહેરના મુખ્‍ય માર્ગો પરથી પસાર થઇને પરત આંબા ભગતની જગ્‍યાએ આવશે.

શોભાયાત્રા પુર્ણ થયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ ધાર્મિક પ્રસંગે પધારવા હિન્‍દુ સેના તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલ છે. વેપારી-મીત્રોને તેમના વ્‍યવસાય બંધ રાખછીને આ પાવન શોભાયાત્રામાં જોડાવા વિનંતી કરેલ છે.

કેશોદ

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ : બુધવાર તા. ૧૭ ના રોજ આવી રહેલી રામનવમી તહેવારની આ વરસે આ વિસ્‍તારમાં શાનદાર ઉજવણી થનાર છે. આ માટેની તમામ તૈયારીઓને લગભગ આખરી ઓપ અપાય ગયેલો છે.

કેશોદમાં સામાન્‍ય રીતે દર વરસે ચૈત્ર સુદ ૯ રામનવમીનો પવિત્ર તહેવાર વરસોથી ઉજવાય છે. પરંતુ આ વરસનો ઉત્‍સાહ કાઇક અલગ છે આ તહેવાર ઉજવવા માટે છેલ્લા લગભગ એક માનસની વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ તથા અલગ-અલગ મંદિરોના કાર્યકરો કામે લાગ્‍યા છે.

રામનવમી બુધવારના દિવસે અલગ અલગ જલોટ સાથેની વિશાળ શોભાયાતરા કે. ડી. ગ્રાઉન્‍ડ ઉપરથી બપોરે ૩.૩૦ કલાકે શરૂ થશે અને આ શોભાયાત્રા માંગરોળ રોડ, લોહાણા મહાજન વાડી રોડ, કાપડ બજાર, અમૃતનગર રોડ, સ્‍ટેશન રોડ ઉપર થઇ અને સાંજના લગભગ ૭-૩૦ કલાકે જલારામ મંદિરે પરફ ફરી પુર્ણાહૂતિ થશે.

રામનવમી નિમિતે યોજાનારી આ શોભાયાત્રાને આવકારતા બેનરો ઉપરોકત તમામ રોડ ઉપર લગાવવામાં આવેલા છે. આ રૂટ ઉપર પસાર થનારી શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્‍થળે પાણી ત્‍થા ઠંડા પીણાના સ્‍ટોલ પણ ભવિકો તરફથી ઉભા કરવામાં આવનાર છે.


 

 

(12:17 PM IST)