તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 16th April 2024
સુરજકરાડીના આધેડનું હૃદયરોગના હુમલાના કારણે મળત્યુ

ખંભાળીયા,તા.૧૬ : મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા કાનાભાઈ આલાભાઈ કાટેજા નામના ૫૩ વર્ષના આધેડને પોતાના ઘરે અચાનક શ્વાસ ચડયા બાદ છાતીમાં દુખાવો ઉપાડતા સારવાર દરમિયાન તેમનું સ્થાનિક હોસ્પિટલમાં મળત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મળતકના પુત્ર સંજયભાઈ કાટેજાઍ મીઠાપુર પોલીસને કરી છે.
ખંભાળિયા નજીક પીકઅપ વનમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો
ખંભાળિયા - દ્વારકા હાઈ-વે માર્ગ નજીક આવેલી પાયલ હોટલ નજીકના રેલવે ફાટક પાસેથી ઍલ.સી.બી. પોલીસે ગતરાત્રિના આશરે ૧૧ વાગ્યાના સમયે પસાર થઈ રહેલા જી.જે. ૨૫ ઈ ૫૮૮૪ નંબરના ઍક બોલેરો પીકઅપ વાનને અટકાવી, ચેકિંગ કરતા આ વાહનમાં તાલપત્રી હેઠળ છુપાવીને લઈ જવાતા ૫૦૦ લીટર દારૂના બાચકાઓ મળી આવ્યા હતા.
આથી પોલીસે રૂપિયા દસ હજારની કિંમતના દેશી દારૂ તેમજ રૂપિયા પાંચ લાખની કિંમતના બોલેરો વાહન અને મોબાઈલ, રોકડ સહિત કુલ રૂપિયા ૫,૧૬,૨૦૦ ના મુદ્દામાલ સાથે રાણાવાવ તાલુકાના ડોલરગઢ ગામે રહેતા દેવા ઉર્ફે ભુરી જીવાભાઈ મોરી નામના ૨૫ વર્ષના માલધારી રબારી યુવાનને ઝડપી દીધો હતો. આ પ્રકરણમાં ખંભાળિયા તાલુકાના દેવળીયા ગામે રહેતા અનિરુદ્ધસિંહ કેસરીસિંહ જાડેજા, રાણપર ગામના કારા ઉર્ફે મેરુ કાના મોરી અને બાવરવાવ નેશ ખાતે રહેતા રાજુ કાનાભાઈ કટારા નામના ત્રણ શખ્સો પણ સંડોવાયેલા હોવાનું ખુલતા ગુનો નોંધી, આરોપી દેવા ઉર્ફે ભુરી રબારીની અટકાયત કરી, અન્ય ત્રણ શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
ભાણવડ પંથકમાં વિદેશી દારૂ અંગે ત્રણ સ્થળોએ કાર્યવાહી
ભાણવડથી આશરે ૧૦ કિલોમીટર દૂર મોરઝર ગામ ખાતે રહેતા સુભાષ વીરાભાઈ રાઠોડ તેમજ મહેશભાઈ લાલજીભાઈ પટેલ નામના બે શખ્સો દ્વારા સાથે મળીને આરોપી મહેશ લાલજીભાઈની વાડીની ઓરડીમાં છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની ૩૧ બોટલ તેમજ દારૂના ૯૬ ચપટા મળી કુલ રૂપિયા ૪૧,૨૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જો કે આ દરોડા દરમિયાન ઉપરોક્ત બંને આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
અન્ય ઍક કાર્યવાહીમાં મોરઝર ગામે રહેતા વિજય ઉગાભાઈ બગડા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે જુદી જુદી બ્રાન્ડની ૬૫ બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો. આ દરોડામાં રૂપિયા ૨૬,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. જેમાં રાણપર ગામના વેજા ભોરાભાઈ શામળા નામના શખ્સને સપ્લાયર તરીકે હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
ભાણવડ તાલુકાના ગડુ ગામના પાટીયા પાસે રહેતા રમેશ દેવાભાઈ મોરી નામના ૧૯ વર્ષના શખ્સના કબજામાંથી પોલીસે રૂ. ૧,૬૦૦ ની કિંમતની ચાર બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે. આ પ્રકરણમાં સપ્લાયર ઍવા ગડુ ગામના લખમણ નારણભાઈ કંડોરીયાને હાલ ફરાર જાહેર કરાયો છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
