<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th April 2024

માધવપુરના લોકમેળાનું સાંજે આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે ઉદ્દઘાટન

શ્રીકૃષ્‍ણ-રૂક્ષ્મણીના વિવાહ ઉત્‍સવમાં આવતીકાલે દાંડિયારાસની રમઝટ અને શરણાઇના સૂર ધામધૂમથી ભગવાનનું પ્રથમ ફુલેકુઃ પાંચ દિવસના પરંપરાગત લોકમેળાનાં એસી ડોમમાં દરરોજ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમ

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૭: માધવપુર ઘેડમાં શ્રીકૃષ્‍ણ-રૂક્ષ્મણીના વિવાહના ઉત્‍સવની ઉજવણી સાથે શરૂ થનાર પાંચ દિવસના પરંપરાગત લોકમેળો આજે સાંજે રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે ખુલ્લો મુકવામાં આવશે.

માધવપુરમાં શ્રીકૃષ્‍ણ-રૂક્ષ્મણીના વિવાહ ઉત્‍સવમાં આવતીકાલે ભગવાન શ્રીકૃષ્‍ણનું રાત્રે પ્રથમ ફુલેકુ દાંડીયા રાસની રમઝટ અને શરણાઇના સૂરથી ધામધૂમથી નીકળશે.

આ ફુલેકા પહેલા આવતીકાલે બપોરે ૨ વાગ્‍યે રૂક્ષ્મણીના પિયરિયાઓ વાજતે ગાજતે માધવરાય મંદિરે આવીને માતા રૂક્ષ્મણીજીને તેમના મઠેથી તેડી જશે. માધવપુરના લોકમેળામાં એસી ડોમમાં દરરોજ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાશે.

રાત્રિના ૯ વાગ્‍યે માધવરાય મંદિર ખાતેથી આકર્ષક રથમાં ભગવાન શ્રીકૃષ્‍ણનું પરંપરાગત પહેલુ ફુલેકુ નીકળશે. આ ફુલેકા માટે શ્રીકૃષ્‍ણને તિલક, હાર, ગજરો આપી રથમાં બિરાજમાન કરવામાં આવશે. આ તકે કિર્તનકારો કિર્તન કરશે. ભાવિકો દાંડિયા રાસની રમઝટ બોલાવશે. ઢોલ-શરણાઇનાં સૂરે ધામધૂમથી ફુલેકુ કાઢવામાં આવશે અને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે.

માધવપુરની મુખ્‍ય બજારમાં થઇને ભવ્‍ય ફુલેકુ બ્રહ્મકુંડે પહોંચશે. અહીં મુખ્‍ય બજારમાં વેપારીઓ શ્રીકૃષ્‍ણ પ્રભુને પેંડા, બરફી, મીસરી, સરબત, સુકોમેવો, લીલોમેવો વગેરે ધરાવશે. બાદમાં એ ભાવિકોને પ્રસાદ સ્‍વરૂપે વિતરણ કરવામાં આવશે. ફુલેકામાં દાંડિયા રાસની રમઝટ સાથે લગ્નગીતો પણ ગુજશે. બ્રહ્મકુંડે પહોંચ્‍યા બાદ કિર્તનકારો ચાર કિર્તન રજુ કરશે. અહીં શ્રીકૃષ્‍ણને રવાડીમાં બેસાડીને વિશ્રામ કરાવવામાં આવશે અને આરતી ઉતારવામાં આવશે. આ સાથે શીતળ જળ અને સામગ્રી પણ ધરવામાં આવશે. જે બાદમાં ભાવિકોને વિતરણ કરાશે.

પોરબંદર નજીકના માધવપુર ઘેડ ગામે યોજાનાર પરંપરાગત મેળો આજે ખુલ્લો મુકવામાં આવનાર છે. ત્‍યારે મહેમાન બનનાર રાજ્‍યપાલનો વિધિવત પ્રવાસ કાર્યક્રમ જાહેર થયો છે. માધવપુર ઘેડના મેળાનું આયોજન તા. ૧૭ થી તા. ૨૧ દરમિયાન થયું છે. આ મેળાના સાંસ્‍કૃતિક કાર્યક્રમનું ઉદ્દઘાટન રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્‍યપાલના તા. ૧૭ના રોજ સાંજે ૬ વાગ્‍યા આસપાસ માધવપુર ઘેડ હેલીપેડ ખાતે આગમન થશે ત્‍યારબાદ મેળા ગ્રાઉન્‍ડ ખાતે સાંજે ૬:૩૦ થી ૭:૩૦ સુધી સ્‍ટેજ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન પદે ઉપસ્‍થિત રહેશે. રાજ્‍યપાલ તા. ૧૭ના રોજ પોરબંદર ખાતે રાત્રી રોકાણ કરી તા. ૧૮ના રોજ સવારે ગાંધીનગર જવા પ્રસ્‍થાન કરશે.

(4:08 PM IST)