<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

મધદરિયે અચૂક મતદાનનો સંકલ્પ:જૂનાગઢ જિલ્લાના માંગરોળનાં દરિયાની અંદર મતદાન જાગૃતિનો કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને યોજાયો

મધદરિયે મતદાનના શપથ, ફિશિંગ બોટમાં મતદાન જાગૃતિના સ્ટીકર લગાવાયા: મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિ:માંગરોળના સોમનાથ ભવનમાં પણ મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો: મતદાર જાગૃતિનાં બાળાઓનાં ગરબાએ જમાવ્યું આકર્ષણ: આગેવાનોને બેઝ પહેરાવી મતદાનની અપીલ કરાઈ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૨ :   જૂનાગઢ જિલ્લાના માંગરોળનાં દરિયાની અંદર  એટલે કે, મધદરિયે ફિસિંગ બોટમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અનિલ રાણાવસિયા અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં નગરવાસીઓએ તા.૭મી મે એ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા. આમ, મતદાન જાગૃતિની વ્યાપક બની રહેલ ઝુંબેશમાં સાસણના જંગલોમાં ફરતી જીપ્સી બાદ માંગરોળના સમુદ્રમાં ફરતી ફિશિંગ બોટમાં પણ મતદાન જાગૃતિના સ્ટીકર લગાવાયા હતા.

      આ ઉપરાંત માંગરોળમાં સોમનાથ ભવન ખાતે પણ મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખારવા સમાજની બાળાઓએ રજૂ કરેલ મતદાર જાગૃતિનાં ગરબાએ પણ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે માંગરોળના આગેવાનોને મતદાન જાગૃતિનો બેઝ પહેરાવી મતદાનની અપીલ કરાઈ હતી.

       આ તકે કલેકટર અનિલ રાણાવસિયાએ કહ્યું હતું કે, ચૂંટણીની પ્રક્રિયા ખૂબ પારદર્શક રીતે થાય છે. ઈવીએમને રાજકીય પક્ષોની હાજરીમાં તેની ચકાસણી અને તેની ફાળવણી, તેની સુરક્ષા સાથે વિવિધ મતક્ષેત્રમાં મોકલવાનું, મોકપોલ, સ્ટાફની ફાળવણી સહિતની અનેક પ્રિક્રિયા ચોકસાઈપૂર્વક અને પારદર્શક રીતે થાય છે. ઉપરાંત મતદાન મથકોમાં કેમેરા લાગે છે જેનું મોનિટરિંગ દિલ્હી ચૂંટણી તંત્ર કરે છે. જેથી આમ, ચોકસાઈપૂર્વક મતદાનની પ્રક્રિયા મતદારોને ભરોસો થાય તે રીતે થાય છે. સમગ્ર દુનિયા આપણી ચૂંટણીઓ જોવા આવે એવી ઉદાહરણરૂપી કામગીરી ચૂંટણી તંત્ર દ્વારા થાય છે.  ત્યારે તા.૭ મે ના મતદારો પણ વધુને વધુ મતદાન કરવું જોઈએ. ભાઈઓની સાથે મહિલાઓ પણ મતદાન અચૂક કરે તેવો અનુરોધ છે.

     આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાને  માંગરોળમાં તમામ મતદારોને તા.૭નાં લોકસભાની ચૂટણીમાં  મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

    આ તકે પ્રાંત અધિકારી હિરલ ભાલાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી  નીતાબેન વાળા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર  વિપુલભાઈ ઘુંચલા, ખારવા સમાજના પ્રમુખ પુરુષોત્તમભાઈ ખોડાવા,  મહાવીર માછીમારી કો-ઓપરેટીવ  સોસાયટીના પ્રમુખ દામોદરભાઈ ચામુંડીયા, બોટ એસોસિએશનના પ્રમુખ ખીમજીભાઈ પરમાર,  આચાર્યશ્રી વાળા,મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, આગેવાનો, વિદ્યાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વાઠેરે આભાર વિધિ કરી હતી.

 

(-પારૂલ આડેસરા-માહિતી ખાતુ-રાજકોટ)

 

(1:40 PM IST)