<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

સુરેન્‍દ્રનગર નજીક સાડા આઠ લાખનો દારૂ ઝડપાયો

સોયાબીન અને જલજીરાની આડમાં લઇ જવાતો'તોઃ ૧૮૬૦ બોટલ અને ખાદ્યસામગ્રીના કાર્ટુન જપ્‍ત : એલસીબી ટીમે કરેલો પર્દાફાશઃ જોધપુરથી ટ્રક રાજકોટ આવતો'તોઃ દેદાદરાના પાટીયા પાસે વોચ ગોઠવી કરાયેલી કાર્યવાહી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૨૨ :  સુરેન્‍દ્રનગર એલસીબી ટીમને લખતરથી સુરેન્‍દ્રનગરના રસ્‍તે વિદેશી દારૂ આઈસર ટ્રકમાં આવતો હોવાની બાતમી મળતા દેદાદરા પાટીયા પાસે વોચ રખાઈ હતી.  જેમાં રાજસ્‍થાનના મોટા ભાઈએ ભરી આપેલો દારૂ લઈ આવતો નાનો ભાઈ દારૂ, ટ્રક, મોબાઈલ સહિત રૂ. ૧૮,૦૬,૦૯૦ની મત્તા સાથે પકડાયો છે. આ બનાવની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

લોકસભા ચૂંટણીને લઈને દારૂની બદીને ડામવા પોલીસ ઠેર ઠેર દરોડા કરી રહી છે. આવા સમયે સુરેન્‍દ્રનગર જિલ્લા એલસીબીના ઈન્‍ચાર્જ પીઆઈ બી.એલ. રાયઝાદા સહિતની ટીમ શુક્રવારે મોડી સાંજે પેટ્રોલિંગ કરી રહી હતી. જેમાં સ્‍ટાફના આર.જી.ઝાલા અને પરીક્ષીતસીંહને લખતરથી સુરેન્‍દ્રનગર તરફ આવતી આઈશર ટ્રકમાં દારૂ હોવાની બાતમી મળી હતી. આથી સ્‍ટાફના ગોપાલસીંહ, દશરથભાઈ સહિતનાઓને સાથે રાખી વોચ રખાઈ હતી. જેમાં છીંકણી કલરનું આઈસર આવતા તેને રોકી પુછપરછ કરતા ડ્રાયવરે આઈસરમાં સોયાબીજ અને જલજીરા હોવાનું જણાવ્‍યુ હતુ. જયારે પોલીસે બાંધેલી તાડપત્રી હટાવી તપાસ કરતા વીવીધ બ્રાન્‍ડનો દારૂ મળી આવ્‍યો હતો. આથી પોલીસે ચાલક રાજસ્‍થાનના જોધપુરના મુકેશ બાબુલાલ પરીહારને દારૂની ૧૮૬૦ બોટલ કિંમત રૂ. ૮,૫ ૭,૮૯૦, રૂ. ૯ લાખની આઈસર ટ્રક, મોબાઈલ ફોન, રૂ. ૪૧,૯૦૦ના સોયાબીજ અને જલજીરાના કાર્ટુન સહિત રૂ. ૧૮,૦૬,૦૯૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ આરોપીની ઙ્કાથમીક પુછપરછમાં આ દારૂ જોધપુરથી તેના મોટાભાઈ ભગીરથ બાબુલાલ પરીહારે ભરી આપ્‍યો હોવાનું તથા રાજકોટ પહોંચાડવાનો હોવાનું ખૂલ્‍યુ હતુ. પોલીસે બન્ને સામે વઢવાણ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નાગકડા ગામના વોકળામાંથી બિયરના ૨૦ નંગ મળી આવ્‍યા

ધજાળા પોલીસ દારૂ બાબતે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન નાગડકા ગામના યુવરાજભાઈ બાબભાઈ ખાચર વિદેશી દારૂ લાવી અને વેચતા હોવાની બાતમી મળી હતી. આથી ધજાળા પોલીસના આર.ડી. ભરવાડ, એ.ડી. ઝાલા, કુલદિપસિંહ રાઠોડ સહિત પોલીસ કર્મીઓએ રાણપુર જવાના કાચા માર્ગે આવેલી યુવરાજભાઈની વાડીએ રેડ કરી હતી. પરંતુ વાડીમાં કોઈ શખસ જોવામાં ન આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

વાડીની બાજુમાં આવેલા વોકળામાં તપાસ કરતા રૂ. ૨૦૦૦ની કિંમતના ખાખી કલરના પુઠામાં ૨૦ નંગ બિયર મળી આવ્‍યા હતા. આથી પોલીસે યુવરાજભાઈ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દેશી દારૂના ભઠ્ઠા કબજે

ચોટીલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ડીવાયએસપી લીંબડી પોલીસ સ્‍ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમી મળતા અકાળા ગામમાં કુંભારિયા તરીકે ઓળખાતી સીમમાં જયવીરભાઈ ભાભલુભાઈ ખાચર રહેવાસી ભીમોરા તેના સંબંધીના વાડીના શેઢા પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યો છે. તે બાતમીના આધારે રેડ કરતા સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોય આજુબાજુ કોઈ હાજર ન મળતા હાજર દેશી દારૂ બનાવવાનો આથો ૩૪૦૦ લીટર અને દેશી દારૂ ૧૦૦ લીટર સહિતનો આશરે કિંમત ૮૯૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્‍યો હતો અને જયવીરભાઈ બાબુભાઈ ખાચર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ ચોટીલા પોલીસ સ્‍ટેશન પીએસઆઇ એલ.બી.બગડા ચલાવી રહ્યા છે.

 

(1:41 PM IST)