News of Wednesday, 1st May 2024
નાથદ્વારાની જેમ દ્વારકામાં શ્રીકૃષ્ણ ભગવાનની વિશાળ મુર્તિ મુકાશેઃ પરિમલ નથવાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પંચકુઇ વિસ્તારને વિકસાવાશેઃ દ્વારકામાં એર સ્ટ્રીપ બનાવવાની કામગીરીઃ સોશ્યલ મીડીયાના માધ્યમથી ફેલાવાતી અરાજકતા મુદ્દે હું રજુઆત કરીશ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧ : રાજયસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીએ જામનગર ખાતે પત્રકાર પરીષદ સંબોધી હતી.
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે હેરિટેજ આપણી આગવી ઓળખ છે. આગામી સમયમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા દ્વારકા ખાતે પંચકુઈ વિસ્તારને વિકસાવવામાં આવશે. નાથદ્વારાની માફક દ્વારકા ખાતે પણ ભગવાન શ્રીકળષ્ણની વિશાળ પ્રતિમા મૂકવા બાબતે કામ કરવામાં આવશે. રિલાયન્સના પ્રોજેક્ટને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તંત્ર દ્વારા જમીનની પણ ફાળવણી કરવામાં આવી છે
જામનગરના જામજોધપુર અને કચ્છ ખાતે ગ્રીન એનર્જી બાબતે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. હાલ અમે અમારા પ્રોજેક્ટ અંતર્ગત પ્લાનિંગના સ્ટેજ પર છે. આગામી ૧ થી ૧.૫ વર્ષ સુધી તે બાબતનું પ્લાનિંગ ચાલશે. બેટરી બાબતે પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આગામી ૧ વર્ષમાં દેશ વિદેશથી લોકો પ્રાણી સંગ્રહાલય જોવા આવશે. જામનગર ખાતેના પ્રાણી સંગ્રહાલયને સરકાર દ્વારા એપ્રુવલ આપી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં પ્રણીઓને પણ સંગ્રહાલય ખાતે લાવવામાં આવ્યા છે.
આગામી ૧ વર્ષમાં લોકો વિઝીટ કરી શકે તે બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે. આગામી રાજ્યસભાના સત્ર દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવનાર અરાજકતા બાબતે હું રજૂઆત કરીશ. આ પ્રશ્ન માત્ર ગુજરાત પૂરતો નથી પરંતુ દેશ વ્યાપી છે. આ વખતે જે વાતાવરણ જામનગર સીટ પર જોવા મળી રહ્યુ છે તે અગાઉ કયારેય પણ જોવા નથી મળ્યું. વાઈલ્ડ લાઈફને લગતી એક બુક અગાઉ કરી લોન્ચ થઈ ચૂકી છે. આગામી સમયમાં વાઈલ્ડ લાઈફને લઈ મારી બીજી બુક પણ આવી રહી છે. દ્વારકા ખાતે એર સ્ટ્રીપ બનાવવાનું કામ કાજ ચાલુ છે. તે બાબતે ATC સાથે તેમજ ડિફેન્સ અને અન્ય ગર્વમેન્ટ એજન્સી સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના વિકાસ સાથે દ્વારકા નો પણ વિકાસ થાય તેવું મારું માનવું છે. જામનગરમાં ચૂંટણીના માહોલને લઈને ખાસ આવેલા રિલાયન્સ કોર્પોરેટ અફેર્સના પરિમલભાઈ નથવાણીએ પ્રવર્તમાન સમયમાં સોશિયલ મિડિયામાં વધી રહેલી બદીઓને લઈને ખાસ વૈમનસ્ય ન ફેલાય અને શાંતિપ્રિય વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે અનુરોધ કર્યો હતો. અને મીડિયા ને પણ અખબારી તેમજ પત્રકારત્વ ધર્મ દરમ્યાન સોશિયલ મીડિયાની વધી રહી બદીઓમાં સચોટ અને સાતત્યપૂર્ણ સમાચાર લોકો સુધી પહોંચે તે માટે અપીલ કરી હતી. તસ્વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
