<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

ભાજપને કયારેય મત નહી આપીએ ભાજપને હરાવીશું: ઉપલેટામાં રાજપૂત સંકલન સમીતી દ્વારા સુત્રોચ્ચાર

ક્ષત્રીય-રાજપુત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા : રૂપાલાના નિવેદન સામે આક્રોશ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા., ૧: ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા ના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ રીતે વિરોધ અને વિરોધની સાથે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ દ્વારા નારી અસ્મિતા ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના દર્શન કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આગળ શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે માં ગાયત્રીના આશીર્વાદ લઇ કોલકી ગામ થઈ ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પર બાઈક તેમજ કારની વિશાળ રેલીનો કાફલો ઉપલેટા ખાતે પહોંચ્યો હતો. ઉપલેટાના મુખ્ય માર્ગો પર કેસરિયા ઝંડા અને વિવિધ સૂત્રો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો અગ્રણીઓ જોડાયા હતા અને રાજપુત સમાજ ખાતે શપથ લેવામાં આવ્યા હતા.

ઉપલેટામાં યોજાયેલ રેલી બાદ ઉપલેટા રાજપુત સમાજ ખાતે ઉપલેટા તાલુકાના ચારેલીયા ગામના કાકુભા વાળાએ ઉપસ્થિત સૌ કોઈને સપથ લેવડાવ્યા હતા. આ શપથમાં એવો નિર્ણય લેવાયો છે કે, અમે બધા સૂર્યદેવની સાક્ષીએ અમારા કુળદેવીની સોગંદ ખાઈ અને પ્રતિજ્ઞા લઈએ છીએ કે, જે આ રૂપાલા ભાઈએ અમારી બેન-દીકરીઓ નારી અસ્મિતા ઉપર જે ગંદી ટિપ્પણી કરી છે અને ચારિત્ર ઉપર કાદવ ઉછાળ્યો છે તેને અમો રાજપૂત સમાજ ક્યારેય માફ નહીં કરીએ અને અમો સોગંદ ખાઈએ છીએ કે, ભાજપને ક્યારેય પણ મત નહીં આપીએ અને અમે ભાજપને જ હરાવશું એ અમારા રાજપુતનો ધર્મ છે.(તસ્વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

(12:24 PM IST)