<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

પોરબંદરના શિયાળ અને મોદી પરિવાર દ્વારા ચંપારણ્‍ય ધામ ખાતે સખડી મહાપ્રસાદ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૬ : મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના ૫૪૭માં પ્રાગટય મહોત્‍સવ અવસરે ચંપારણ્‍યધામ યાત્રાધામ ખાતે ફરાળ અને સખડી મહાપ્રસાદ પોરબંદરના શિયાળ અને મોદી પરિવાર દ્વારા રાખવામાં આવ્‍યો હતો.

ચંપારણ્‍ય ધામ ખાતે શિયાળ-મોદી પરિવાર દ્વારા ભાવાત્‍મક સેવા કરાય હતી. જેમાં શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી નાં ૫૪૭ માં પ્રાકટ્‍ય મહોત્‍સવ નિમિતે હજારો ભક્‍તો એ બપોરના સમયે ફરાળ તથા સાંજ ના સમયે સખડી મહાપ્રસાદનો લાભ લીધો

શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી નાં ૫૪૭માં પ્રાકટ્‍ય મહોત્‍સવ નિમિતે પુષ્ટિ સંપ્રદાયમાં વિશ્વ વિખ્‍યાત તીર્થ ક્ષેત્ર શ્રી ચંપારણ્‍ય ધામની યાત્રા એ પધારેલા સમસ્‍ત વૈષ્‍ણવો માટે બપોરના સમયે ફરાળ તથા સાંજના સમયે સખડી મહાપ્રસાદ (ભોજન)ની વ્‍યવસ્‍થા પોરબંદરના મનુભાઈ મોદી, સાગર મોદી પરિવાર અને શિયાળ પરિવાર દ્વારા રાખવામાં આવેલ હતી.  મનુભાઈ મોદી અને સાગરભાઈ મોદી દ્વારા સ્‍વંય પ્રસાદ પીરસવામાં આવ્‍યો હતો. આ મહાપ્રસાદ નો હજારો વૈષ્‍ણવો એ લાભ લીધો હતો. ચંપારણ્‍ય તીર્થક્ષેત્ર માં શ્રી વલ્લભ ના જન્‍મોત્‍સવ પછી સાંજના સખડી મહાપ્રસાદ લેવાનું મહાત્‍મ્‍ય ફલપ્રદ રહેલું છે.

શ્રીમદ્‌ વલ્લભાચાર્યજીનું પ્રાકટ્‍ય છતીસગઢ રાજયના રાયપુર નજીક વૃક્ષઘટાથી પરમ શોભાયમાન એવા ચંપારણ્‍ય ધામમાં વિક્રમ સંવત ૧૫૩૫ (ઇ.સ. ૧૪૭૯)માં ચૈત્ર વદ અગિયારસના દિવસે થયો હતો. દૈવી જીવોનો ઉદ્ધાર કરવાના ઉદેશ્‍યથી વૈષ્‍ણવ સંપ્રદાયનું સ્‍થાપન કર્યું, જેને શ્નપુષ્ટિ સંપ્રદાયઙ્ખકહેવામાં આવે છે.  શ્રીમદ્‌ વલ્લભાચાર્ય વૈષ્‍ણવ સંપ્રદાયના એક પ્રસિદ્ધ અને તેજસ્‍વી આચાર્ય હતા. પુષ્ટિ માર્ગના અનુયાયીઓ તેમને મહાપ્રભુજી તરીકે પણ ઓળખે અને પૂજે છે. તેમણે બનારસમાં રહીને વેદ, વેદાંત, દર્શન, સૂત્રો, ધર્મશાસ્ત્ર, પુરાણો અને ઇતિહાસનો ઊંડો અભ્‍યાસ કર્યો હતો. તેમણે સમગ્ર ભારતમાં પર્યટન કરીને પોતાના ધાર્મિક વિચારોનો પ્રચાર કર્યો. રામેશ્વરથી હરિદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં ત્રણવાર પર્યટન કરીને તેમણે પુષ્ટિમાર્ગનો પ્રચાર કર્યો. યાત્રા દરમિયાન તેમણે શ્રીમદ્‌ ભાગવતની કથા અને પારાયણ કર્યા. આજે એ સ્‍થળો ‘બેઠક' તરીકે ઓળખાય છે.

(1:11 PM IST)