News of Monday, 6th May 2024
સોરઠની જૂનાગઢ લોકસભા બેઠક પર ગત ચૂંટણીમાં ૬૧ ટકા મતદાન થયુ'તુ, મંગળવારે વધશે કે ઘટશે?
૨૦૦૯થી સતત ભાજપનો વિજય, આ વખતે હેટ્રિક કે પછી પરાજય, મતદારોનું અકળ મૌન કુલ ૧૧ ઉમેદવારોનાં રાજકીય ભાવિનો મદાર ૧૭,૯૧૮૬૭ મતદારો પર, મુખ્ય જંગ ભાજપ કોંગ્રેસ વચ્ચે,

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૦૬: સોરઠની મુખ્ય જૂનાગઢ લોકસભા બેઠકની ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
ગત ચૂંટણીમાં ૬૧ ટકા મતદાન થયુ હતુ. આગામી મંગળવારે મતદાનની ટકાવારી વધશે કે ઘટશે? તેવો સવાલ કાળઝાળ ગરમીને લઇ ઉપસ્થિત થયો છે. કુલ ૧૧ ઉમેદવારોના રાજકીય ભાવિનો મદાર ૧૭,૯૧૮૬૭ મતદારોના મત પર રહેલો છે. જોકે મુખ્ય જંગ ભાજપ કોંગ્રેસ વચ્ચે ખેલાઈ રહ્યો છે. આંતરિક વિરોધ અને વેરાવળના ડૉ. અતુલ ચગ આપઘાત કેસમાં ફરિયાદનો સામનો કરી રહેલા સાંસદ રાજેશ ચૂડાસમાને ત્રીજી વખત ભાજપે ગહન ચર્ચા વિચારણા બાદ વિજયના વિશ્વાસ સાથે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો સામા પક્ષે
કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ટિકિટ આપી જૂનાગઢ બેઠક જીતવાની આશા સાથે ટિકિટ આપી છે.૨૦૨૨ની કેશોદ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ૪,૨૦૮ મતથી પરાજયનો સામનો કરી ચૂકેલા
હીરા જોટવા તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ઉમેદવારને કેટલી ફાઇટ આપી શકે છે તે જોવું રહ્યું. આ બેઠક પરના ૧૭.૯૧ લાખ મતદાતાઓએ તેનું મૌન હજુ કળાવા દીધું નથી. જેથી મતદારો કોના પર પ્રેમ વરસાવે છે તેના પર સૌની મીટ મંડાઇ છે. બીજી તરફ તંત્ર દ્વારા મતદાનને લઇ તમામ તૈયારીઓ, ગોઠવણ પૂર્ણ કરી લેવામાં આવી છે. હાલ તાપમાન સતત વધી રહ્યું છે. તેથી મતદાન મથકો પર જરૂરી તમામ મેડિકલ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મતદારો નિર્ભીકપણે તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહા પર્વમાં જોડાઈ શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જીત માટે પટેલ, કોળી મતદારો નિર્ણાયક રહેશે
જૂનાગઢ બેઠક સૌથી વધુ પટેલ, કોળી મતદારો ધરાવે છે. આથી કોઈપણ ઉમેદવારના વિજય માટે આ બંને સમાજનાં મત નિર્ણાયક સાબિત થશે. વિવિધ સમાજના મતદારોની સંખ્યામાં પટેલ મતદારોનું ૩.૦૧ લાખના આંક સાથે સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે. આ પછી કોળી મતદારોની સંખ્યા અંદાજે ૨.૯૬ લાખ, મુસ્લિમ મતદારોની સંખ્યા અંદાજે ૧.૯૬ લાખ, દલિત મતદારોની સંખ્યા અંદાજે ૧.૬૭ લાખ, આહીર મતદારોની સંખ્યા અંદાજે ૧.૪૨ લાખ, કારડિયા રાજપૂત મતદારોની સંખ્યા અંદાજે ૧.૦૪ લાખ, પ્રજાપતિ મતદારોની સંખ્યા અંદાજે ૫૪ હજારથી વધુ, રબારી મતદારોની સંખ્યા અંદાજે ૪૯ હજારથી વધુ, બ્રહ્મસમાજનાં મતદારોની સંખ્યા અંદાજે ૪૭ હજાર, ક્ષત્રિય મતદારોની સંખ્યા અંદાજે ૪૩ હજારથી વધુ, લોહાણા મતદારોની સંખ્યા અંદાજે ૩૮ હજારથી વધુ તેમજ અન્ય જ્ઞાતિના મતદારોની સંખ્યા અંદાજે ૩.૪૯ લાખ છે.
છેલ્લી ૩ ચૂંટણીમાં સૌથી વધુ
મતદાન ૬૪ ટકા વર્ષ ૨૦૧૪માં થયુ'તુ
જૂનાગઢ લોકસભા બેઠકની છેલ્લી ૩ ચૂંટણીના મતદાન પર નજર કરીએ તો વર્ષ ૨૦૦૯માં ૬૨ ટકા પુરુષ, ૫૪ ટકા મહિલાઓનાં મત સાથે ૫૮ ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ ૨૦૧૪માં ૬૭ ટકા પુરુષ, ૫૯ ટકા મહિલાઓનાં મત સાથે ૬૩ ટકા મતદાન નોંધાયું હતું અને છેલ્લે વર્ષ ૨૦૧૯માં ૬૪ ટકા પુરુષ, ૫૭ ટકા મહિલાઓનાં મત સાથે ૬૧ ટકા મતદાન થયું હતું.
સ્વ. ભાવનાબેન ચીખલિયા સૌથી વધુ વખત સાંસદ બન્યાં
જૂનાગઢ લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં એક જ મહિલા ચહેરો સાંસદ તરીકે ચૂંટાયો છે, જે ભાવનાબેન ચીખલિયા છે. તેઓ ૧૯૯૧થી ૧૯૯૯ની ચૂંટણીમાં સતત ૪ વખત જૂનાગઢના સાંસદ તરીકે ચૂંટાયાં હતાં. ૨૦૦૪માં કોંગ્રેસના સ્વ. જશુભાઈ બારડે સ્વ. ભાવનાબેન ચીખલિયાને ૪૦,૯૨૧ મતોથી હરાવીને તેમના સતત થતા વિજય પર બ્રેક મારી હતી.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
