News of Monday, 6th May 2024
જુનાગઢ લોકસભા બેઠકના મતદાન માટે ચૂંટણીલક્ષી સામગ્રી રવાના
ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી ઇવીએમ - વીવીપેટ સહિતની સમગ્રી પહોંચાડવામાં આવી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૬ : જુનાગઢ લોકસભા બેઠકના મતદાન પૂર્વે આજે સવારે ચૂંટણી તંત્ર દ્વારા વિધાનસભાની બેઠકોના ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી ઇવીએમ, વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રી ચુસ્ત બંદોબસ્ત સાથે સરકારી અને ખાનગી રીક્વીઝેટ કરેલા વાહનોમાં ૧૮૪૯ મતદાન મથકોએ પહોંચાડવામાં આવી હતી.
જુનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢની ત્રણ અને ગીર સોમનાથની ચાર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. સવારે જુનાગઢ વિધાનસભા મતદાર વિભાગ માટે બહાઉદીન કોલેજ ખાતે ૩ રૂમ પરથી ૩૬ રૂટ ઉપર ૧૦ સરકારી ૨૬ ખાનગી બસ તેમજ ૪ ક્યુઆરટી અને ૪૦ ઝોન ઓફિસરો સહિતના વાહનોમાં રવાના કરવામાં આવી હતી.
આ જ પ્રમાણે વિસાવદર વિધાનસભાના વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતેથી, માંગરોળ બેઠકમાં એમ. એન. કંપાણી કોલેજ શારદા ગામ ખાતેથી ચૂંટણીલક્ષી સામગ્રી પહોંચાડવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં ચાર વિધાનસભા બેઠકો પર નક્કી કરાયેલા સેન્ટરોમાં ચૂંટણી સામગ્રી વિવિધ વાહનો દ્વારા રવાના કરવામાં આવી હતી.
મતદાનને લઈને કર્મચારીઓની અવર-જવર માટે ચૂંટણી વિભાગ દ્વારા જૂનાગઢ ડિવિઝન પાસેથી ૧૪૦ એસટી બસની માગણી કરાઈ હતી જેને લઇ સોમ અને મંગળવારે બે દિવસ જૂનાગઢ ડિવિઝનના ૯ ડેપોમાં ૧૪૦ બસ ચૂંટણી કામગીરીમાં કાર્યરત રહેશે.
મતદાન બુથ પર ઇવીએમ મશીન સાથે પહોંચેલા પોલિંગ કર્મચારીઓ રાત્રિ રોકાણ બૂથ પર જ કરનાર હોય જેથી આ કર્મચારીઓને ટુવાલ, નેપકીન, ટૂથપેસ્ટ, બ્રશ, દાતિયો, અરીસો, સુકો નાસ્તો સહિતની રોજિંદી વસ્તુઓ અને ગરમીને લઈ તબિયત ન લથડે તે માટે કર્મચારીઓને બુથ દીઠ એક મેડિકલ કીટ પણ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી આપવામાં આવી હતી. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
