News of Monday, 6th May 2024
જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે મતદાન પ્રક્રિયા યોજવા સંપૂર્ણ સજજ - જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા
હીટવેવના પગલે મતદાન મથકો પર પાણી, છાંયડો, મેડીકલ ટીમ જેવી સુવિધાઓ : નાગરીકો મતદાન મથક પર આધારકાર્ડ સહિતના ૧૨ ડોકયુમેન્ટ લઈ જઈ શકશે : મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો કરનાર સામે કડક કાર્યવાહી કરાશે : મતદાનમથકો પર દિવ્યાંગો, વૃદ્ધો, સર્ગભા મહિલાઓનો મતદાન કરવા માટે અપાશે પ્રાથમિકતા: નાગરિકોમાં મતદાન જાગૃતિ લાવવામાં માટે જૂનાગઢ પ્રીન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના સહયોગને બિરદાવતા જિલ્લા ચૂંટણી અધિકારી :જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ,તા. ૬
જૂનાગઢ જિલ્લાના ૫ વિધાનસભા મતવિસ્તારમાં અને માણાવદર વિધાનસભાની પેટચૂંટણી ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે મતદાન પ્રક્રિયા સપન્ન થાય તે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજજ છે. તેવી જણકારી મતદાન દિવસ પૂર્વે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવસિયાએ પત્રકાર પરિષદ યોજીને આપી હતી.
આ સંદર્ભેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, મતદાનની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. આવતીકાલે તા.૭-૫૨૦૨૪ના રોજ સવારે ૫-૩૦ કલાકે એજન્ટોની ઉપસ્થિતિમાં ચૂંટણી સ્ટાફ દ્વારા પારદર્શક રીતે મોકપોલ કરવામાં આવશે. ત્યાર પછી સવારે ૭ થી ૬ કલાક દરમિયાન મતદાન પ્રક્રિયા યોજાશે. તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં ૧૩ જૂનાગઢ સંસદીય મત વિસ્તારમાં કુલ ૧૮૪૭ મતદાન મથકોમાં ૭૧૭૦ પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે.
મતદાન મથકો પર ચૂંટણી પંચના નિયમો મુજબ મતદાન શાંતિપૂર્ણ થાય એ માટે પોલીસ, માઇક્રો ઓબ્સર્વર, સિક્યુરિટી સ્ટાફ સહિતની વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. તેમજ મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો કરનાર સામે કાયદેસર રીતે કડક પગલાં ભરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. જેથી મતદાન કરવા જતી વખતે મતદારોએ ચૂંટણી કાર્ડ અથવા માન્ય વૈકલ્પિક પુરાવા અસલમાં સાથે રાખવાના રહેશે. ૧૩- જૂનાગઢ સંસદીય મતવિસ્તારમાં સમાવીષ્ટ કુલ ૧૮૪૭ મતદાન મથકો તથા જૂનાગઢ જિલ્લામાં સમાવેશ થતા કુલ ૧૩૩૫ મતદાન મથકો પર પીવાનુ પાણી, ટોઇલેટ, છાંયડા વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
તેમજ હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા દરેક મતદાન મથક પર પીવાના પાણીની, પંખા, છાયડો, જરૂર જણાય ત્યાં એર કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાત ધરાવતા મતદાન મથકો પર કોઈ મતદારોને વેઈટિંગમાં બેસવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. તેમજ તમામ મતદાન મથક પર ઓઆરએસ સહિતની એક મેડિકલ કીટ પૂરી પાડવામાં આવી છે. વધુમાં એક પેરા મેડિકલ ટીમ, ઝોનલ સેક્ટર ઓફિસર સાથે તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે સ્ટેન્ડ બાય રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં આવેલ તમામ ૧૦૮ એમ્બ્યુલન્સ પણ આવશ્યક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય રખાશે.
મતદાન મથક ઉપર દિવ્યાંગો, વયસ્ક મતદારો માટે મતદાનની પ્રક્રિયાને સુગમ બનાવવા માટે તમામ મતદાન મથક ઉપર રેમ્પની સુવિધા આવેલ છે. તેમજ દિવ્યાંગ મતદારો માટે વ્હીલ ચેર પણ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત દિવ્યાંગો તથા વયસ્ક મતદારોની સહાયતા માટે દરેક મતદાન મથકે બે સ્વયંસેવકો હાજર રહેશે. તેમ જ તેમના માટે અલગ લાઈનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ લોકશાહીના આ મહાપર્વમા આવતીકાલે મતદારો તેના મતાધિકારનો ઉપયોગ કરે અને અન્યને પણ પ્રોત્સાહિત કરે તે માટે અપીલ કરી હતી.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, વિવિધ મતદાન મથકો પર ૧૬૫૦ હોમગાર્ડ, ૧૬૦૦ થી વધુ પોલીસ દળ ઉપરાંત ૧૨૨ જેટલી મોબાઈલ ટીમો, તેમજ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સતત સુપરવિઝન કરશે.તેમણે ઉમેર્યુ હતું કે, મતદાન પ્રક્રિયા દરમિયાન સુરક્ષા કર્મીઓને સહયોગ નહી આપવામાં આવે તો જરૂરી કાર્યવાહી પણ થશે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
