તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
૪૪ ડિગ્રીના ધોમધખતા તાપ વચ્ચે મોરબી-કચ્છ બેઠક ઉપર એકંદરે મતદારોનો ઉત્સાહ વરતાયો: ૫૫.૩૦ ટકા મતદાન
જોકે, ૨૦૧૪/૨૦૧૯ ની અપેક્ષાએ ટકાવારી થોડી ઘટી, ૧૦૦ વર્ષના સંત સહિત ૨૫૦ સંતો, ૨૩ જણના પરિવાર, દિવ્યાંગ, વયો વૃદ્ધ મતદારોએ કર્યું મતદાન, તંત્રના પ્રયાસો સરાહનીય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : મોરબી કચ્છ લોકસભા બેઠક ઉપર ૨૦૨૪ ની ચૂંટણી નું અંદાજિત ૫૫.૩૦ ટકા મતદાન નોંધાયું હતું. ૨૦૧૪ મા ૬૧.૭૮ ટકા, ૨૦૧૯ મા ૫૮.૭૧ ટકા મેટ થયું હતું. જોકે, જે રીતે ૪૪ ડિગ્રી જેવો ભારે આકરો તાપ હતો એ જોતા એ પ્રમાણે એકંદરે આ મતદાન સારુ ઘણી શકાય. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પોતાના પૈતૃક ગામ સુખપર (રોહા) મધ્યે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણએ ગાંધીધામ મધ્યે મતદાન કર્યું હતું. સવારથી જ ભારે ગરમી ચાલુ હોવા છતાંયે ધીરે ધીરે મતદાન વધતું રહ્યું હતું. મતદાન માટે ખાસ કરીને દિવ્યાંગ મતદારો તેમ જ વયોવૃદ્ધ મતદારો સાથે યુવા મતદારો પણ ભારે ઉત્સાહિત રહ્યા હતા. જિલ્લા કલેકટર અમિત અરોરાએ ભુજમાં, જિલ્લાના રાજકીય આગેવાનો પૈકી ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદએ રતનાલ મધ્યે જ્યારે કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ રતનાલ મધ્યે મતદાન કર્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ માંડવી મધ્યે, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ ઘંટનાદ અને રામધૂન સાથે, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી એ ગાંધીધામ મધ્યે મતદાન કર્યું હતું. અબડાસાના મોથાળા ગામે લક્ષ્મીશંકર જોશી ના ૨૩ સભ્યોના સયુંકત પરિવારમાં ત્રણ પેઢીના સભ્યોએ મતદાન કર્યું હતું. ભાજપના યુવા અગ્રણી અને સામાજિક આગેવાન જિગર તારાચંદભાઈ છેડા પોતાના પૈતૃક ગામ મોટા કાંડાગરા (મુન્દ્રા) મધ્યે મતદાન કર્યું હતું. ક્યાંક ઇવીએમ ખોટકાઇ જવાની તો ક્યાંક મતદાર યાદી મા નામ અંગેની ફરિયાદો આવી હતી પરંતુ તંત્ર એ તેને ઉકેલી લીધી હતી. એકંદરે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. મોરબી કચ્છ લોકસભા બેઠક પર સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધીના મતદાનના આંકડા આ પ્રમાણે છે.
અબડાસા વિધાનસભા બેઠક : ૫૬.૫૩ ટકા, માંડવી વિધાનસભા બેઠક: ૬૨.૪૫ ટકા, ભુજ વિધાનસભા બેઠક: ૫૭.૨૩ ટકા, અંજાર વિધાનસભા બેઠક: ૫૫.૫૦ ટકા, ગાંધીધામ વિધાનસભા બેઠક: ૪૯.૪૬ ટકા, રાપર વિધાનસભા બેઠક : ૪૮.૨૦ ટકા, મોરબી વિધાનસભા બેઠક: ૫૮.૨૬ ટકા. એકંદર કુલ અંદાજિત મતદાન ૫૫.૩૦ ટકા. મતદાન માટે ક્લેક્ટર ઉપરાંત તંત્રની સમગ્ર ટીમે વિવિધ કાર્યક્રમો ઉપરાંત સ્થાનિક કચ્છી ભાષા ના કાર્યક્રમો અપીલ દ્વારા મતદાન જાગૃતિ માટે સરાહનીય મહેનત ક્કરી હતી. જોકે, મતદાનના ફાઇનલ આંકડાઓ ઉપરાંત બેલેટ પેપર સાથેના મતદાન ના સયુંક્ત આંકડાઓ આજે મોડે સુધી જાહેર થઈ જશે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
