News of Friday, 10th May 2024
એચઆર મેનેજરે અશ્લીલ વીડિયો બતાવી બેડ ટચ કર્યુ : મહિલા કર્મચારીએ માંગી અભયમની મદદ
આત્મહત્યાના વિચારો આવવાની ફરિયાદને પગલે અભયમે મેનેજરને બોલાવતાં વકીલ સાથે હાજર થઈ ફરિયાદને ખોટી ગણાવી : એચઆરની ઓફિસ સિવાય સમગ્ર કંપનીમાં સીસીટીવી કેમેરા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : કચ્છમાં કાર્યરત ઔધોગિક એકમોમાં મહિલા કર્મચારીઓની છેડતી અને જાતીય સતામણીના કિસ્સાઓ અવારનવાર બહાર આવતા રહે છે. તે વચ્ચે અંજાર ગળપાદર રોડ ઉપર આવેલ ઔદ્યોગિક એકમમાં એચઆર મેનેજર સામે કરાયેલ છેડતીના આક્ષેપે ચકચાર સાથે મહિલા કર્મીઓની સલામતી સંદર્ભે પ્રશ્નો સર્જયા છે. ૧૮૧ નંબરની મહિલા હેલ્પલાઇન ઉપર અભયમની મહિલા ટીમને એક પીડિતા યુવતીનો ફોન આવ્યો હતો કે મને આત્મહત્યાના વિચારો આવે છે. મારી છેડતી કરાઈ છે અને મને હવે આત્મહત્યા કરવા ના વિચાર આવે છે. આ યુવતીની વહારે પહોંચેલ અભયમ ની મહિલા ટીમને યુવતીએ જણાવ્યું હતું કે, તે ૨૦ દિવસ થયા ગળપાદર હાઈ વે ઉપર આવેલ ફેકટરીમાં કામે લાગી છે.
દરમ્યાન એચઆર મેનેજરે રવિવારે તેણીને રજા હોવા છતાંયે બોલાવી હતી. તેણી ઓફિસે ગયેલ ત્યારે કોઈ સ્ટાફ ન હતો. ત્યારે એચઆર મેનેજરે તેણીને અશ્લીલ વિડિયો બતાવી બેડ ટચ કર્યું હતુ. મેનેજરે શારીરિક સબંધ બાંધવા દબાણ કર્યું હોવાનો અને જબરદસ્તી કરી હોવાનો આક્ષેપ પણ યુવતીએ કર્યો હતો. જોકે, તેણી ત્યાંથી નીકળી બાજુની ઓફિસે જઈ રડવા લાગી હતી. આ બનાવ બાદ ડરી ગયેલ યુવતીએ આત્મહત્યાના અજુગતા વિચાર આવવા લાગતાં ૧૮૧ મહિલા હેલ્પ લાઇનની મદદ માંગી હતી.
આ બાબતે મહિલા હેલ્પ લાઇન અભયમની ટીમએ આ યુવતીને કાયદાકીય કાર્યવાહી કરવાની સલાહ આપી હતી. તે સાથે જ ટીમ એ યુવતી સાથે કંપનીમાં પહોંચી હતી પરંતુ એચઆર મેનેજર મળ્યા નહોતા. દરમ્યાન અભયમ ટીમે તેમને ફોન કરી બોલાવતાં એચઆર મેનેજર વકીલ સાથે આવ્યા હતા અને પોતાની સામેના આક્ષેપને જૂઠો ગણાવી રદ્દિયો આપ્યો હતો. જોકે, પીડિતા એ આક્ષેપ કર્યો હતો કે સમગ્ર કંપનીમાં સીસી ટીવી કેમેરા છે ત્યારે એચઆર મેનેજરની ઓફિસમાં સીસી ટીવી નથી. પરંતુ પોતાની ફરિયાદ સાચી હોઈ તેણી એચઆર મેનેજરને છેડતી માટે પાઠ ભણાવવા માંગતી હોઈ આ અંગે ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું.
જોકે, અભયમ ટીમે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવા અંજાર પોલીસ સ્ટેશને આ યુવતીને લઈ જઈ આગળ ફરિયાદ કરવા અંગેની કાર્યવાહી કરી હતી. પોલીસે યુવતી પાસેથી ઉંમરનો દાખલો અને જાતિ ઙ્કમાણપત્ર માંગી આગળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
