<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

દરેક પક્ષના નેતાઓએ જ્ઞાતિ પ્રત્‍યે અયોગ્‍ય નિવેદનો ન કરવા જોઇએઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા.૧૦ : જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી જસદણ માર્કેટીંગયાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે લોકસભાની ચુંટણી કે કોઇપણ  પ્રકારની ચુંટણીઓમાં ફોર્મ પાછા ખેંચાવી લેવાની પ્રથા તેમજ ફોર્મ રદ કરવા તથા ખરીદ  વેચાણ કરી પક્ષાંતર કરાવવાની પ્રવૃતિ કોઇપણ સંજોગોમાં વ્‍યાજબી નથી ફોર્મ ભર્યા પછી પરત ખેંચવા તેમજ ફોર્મમાં સહીઓ કર્યા પછી આર્થિક લાભ મેળવવા કે કોઇપણ કારણોસર ખોટા સોગંદનામા કરીને ફોર્મ રદ કરાવવાએ મતદારોના દ્રોહ અને ગદારી કરવા બરાબર છે.

સહી કર્યા પછી ખોટા સોગંદનામા કરનારની સહીઓની ખરાઇ કરવી જોઇએ. ફોરે લેબોરેટરી તેમજ તેઓના બેંકના ખાતાના સહીઓના નમુનાની તપાસ કરી સોગંદનામા કરનાર તેમજ કરાવનાર ઉમેદવારસામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. સાબિત થયે ચુંટણીના પરિણામને રદ કરી ફરીથી ચુંટણી  કરવા માટે ચુંટણીપંચે કાર્યવાહી કરવી જોઇએ. અન્‍યથા હાઇકોર્ટ કે સુપ્રીમકોર્ટમાં જવું જોઇએ.

ધારાસભ્‍યોના ખરીદ વેચાણના સોદામાં ખરીદનાર કે પક્ષંતર કરાવી પોતાના પક્ષમાં સામેલ કરનાર જ જવાબદાર છે. તમામ પ્રકારની ચુંટણીઓમાં આ પ્રવૃતિ વધતી જશે તો મતદારોના હક છીનવાય જશે એ નિતીમતાનો લોપ થતો જાય છે યેનકેન પ્રકારે સત્તા મેળવવાની લાલસા સિવાય છુટકો નથી.  સૌએ આ બાબતે સજાગ થવાની જરૂર છે.

દરેક પક્ષના નેતાઓએ પોતાના પક્ષની કામગીરીના લેખા જોખા પ્રજા સમક્ષ મુકવાને બદલે કોઇપણ  કોમ કે જ્ઞાતિ પ્રત્‍યે બિન જરૂરી વાણી વિલાસ કે બફાટ કરવાથી દુર રહેવું જોઇએ.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં કહયુ  કે હરખપદુડા શબ્‍દનો ઉપયોગ કરનાર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને નોટીસ ફટકારવાના આદેશો કોઇપણ સંજોગોમાં વ્‍યાજબી નથી. હરખપદુડા શબ્‍દનો અર્થ હરખમાં આવી જઇને એવો ગણાય છે. જેથી આચાર સંહિતાનો ભંગ થવાનો પ્રશ્ન જ ઉપસ્‍થિત થતો નથી.

હાલની ચુંટણીમાં કોઇપણ પક્ષના નેતાઓ તરફથી વ્‍યકિગત, કોઇ કોમ કે જ્ઞાતિ પ્રત્‍યે ટીકા ટીપ્‍પણી ન કરવી જોઇએ છતા પણ ભાન ભુલીને લાજશરમની અવગણના કરીને વાણી વિલાસ કરવાથી વૈમનસ્‍ય થાય તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થાય છે. વિરોધ પક્ષના નેતાઓ સામે ભેદભાવ રાખવાને બદલે ચુંટણીપંચે તટસ્‍થતાથી નિર્ણય લેવાનું રાખવું જોઇએ. રાજકીય નેતાઓને શુ બોલીએ  છીએ તેનું ભાન હોવું જોઇએ. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

(4:21 PM IST)