<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ભાવનગર જીલ્લામાં માવઠાથી ભર ઉનાળે નદીઓ વહી

શિહોર, ઉમરાળા, વલ્લભીપુર, સણોસરા, રંઘોળા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ- કરા પડયા : ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૪: ગોહિલવાડ પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ સિહોર, ઉમરાળા, વલભીપુર, સણોસરા રંઘોળા પંથકમાં વાઝડી અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્‍યો છે. બળતાં બપોરે સણોસરા, ઈશ્વરિયા, ગઢુલા, રામધરી, પાંચતલાવડા, આંબલા સહિત પંથકમાં કરા સાથે વરસાદ થયો છે. જ્‍યારે ભાવનગર શહેરમાં રાત્રે ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે પવનથી વળક્ષો  પડ્‍યા હતા.

ભાવનગરમાં ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. શહેરમાં બપોરના બે પછી વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્‍યું હતું. જ્‍યારે જિલ્લાના શિહોર ઉમરાળા વલભીપુર કંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્‍યો છે.

ભારે ગરમી અને બળતાં બપોરનાં સમયે સણોસરા તથા રંઘોળા પંથકમાં અડધાથી એક કલાક જેટલો સમય વરસાદ થયો છે.

બપોરે વાતાવરણમાં ઓચિંતા પલ્‍ટો આવ્‍યા બાદ બે વાગ્‍યા દરમિયાન વાઝડી અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો અને આ બળતાં બપોરે સણોસરા, રંઘોળા, ઈશ્વરિયા, ગઢુલા, રામધરી, પાંચતલાવડા, આંબલા સહિત પૂરા પંથકમાં કરા સાથે વરસાદ પડ્‍યો છે.

લગભગ અડધાથી એક કલાક દરમિયાન સર્જાયેલ આ વાવાઝોડાનાં વાતાવરણથી છાપરાં ઉડવા તથા જાહેરાતનાં પાટિયા પડવાનાં બનાવો જોવા મળ્‍યાં અને ખેતીવાડીમાં નુકસાની થવા પામી છે. સૂકી નીરણ ઢગલાં પલળી ગયા અને લીલા પાક પણ આડા પડી જવા જેવી નુકસાની થઈ છે.

જિલ્લાના ઉમરાળા પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્‍યો હતો અને ભરઉનાળે નદીમાં પાણી વહેતું થયું હતું.

વાતાવરણમાં પલટો આવતા અને કમોસમીવરસાદને કારણે  ભાવનગરવાસીઓ એ ગરમીમાં રાહત અનુભવી હતી.

ભાવનગર શહેરમાં રાત્રે ૪૦ કિ.મી ની ઝડપે પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી. ભારે પવન ફૂંકવાની સાથે શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.

દરમિયાન આજે મંગળવારે સવારથી જ વાતાવરણ ચોખ્‍ખું થઈ ગયું હતું અને તડકો નીકળ્‍યો હતો.

(10:46 AM IST)