તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે સોરઠમાં મીની વાવાઝોડુઃ વિસાવદર, વંથલીમાં વરસાદી ઝાપટા
અચાનક વંટોળો ફુંકાતા લોકો બાનમાં મુકાયા : જૂનાગઢમાં દુકાન પર ઝાડ પડયું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪ : મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે સોરઠમાં મીની વાવાઝોડું ફૂંકાયું હતું જેની સાથે વિસાવદર, વંથલી પંથકમાં ૩ મીમી વરસાદ થયો હતો જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં છાંટા વરસ્યા હતા.
વેસ્ટન ડીસ્ટર્બન્સ અને હવાના સાયકલોનિક સકર્યુલેશનથી બદલાયેલા હવામાનની સાથે મોડી રાત્રે જુનાગઢ સહિત સોરઠમાં ધૂળિયું તોફાન સાથે વંટોળિયો ફુંકાયો હતો. વંટોળની શરૂઆત પહેલા આકાશમાં વીજળીના ભયંકર કડાકા ભડાકા થયા હતા અને સાથે સાથે વરસાદી માહોલ પણ છવાઈ ગયો હતો. જેને લઈને લોકો બાનમાં મુકાઈ ગયા હતા.
દિવસ દરમિયાન એકંદરે સામાન્ય વાતાવરણ રહ્યા બાદ મોડી રાત્રે અચાનક આંધી સાથે મીની વાવાઝોડું ફુકાવાનું શરૂ થયું હતું. જેના પગલે જુનાગઢ શહેરમાં એક દુકાન પર ઝાડ તૂટી પડ્યું હતું જોકે સદનસીબે કોઈ પ્રકારની જાનહાની કે ઈજા થઈ ન હતી. તેમજ શહેરમાં ઇલેક્ટ્રીક વાયર પડવાથી એક વળક્ષમાં આગ લાગી હતી.
વંટોળિયો ફુકાવાના કારણે જૂનાગઢના કાળવા ચોક સહિતના વિસ્તારોમાં ધૂળનું સામ્રાજ્ય છવાઈ ગયો હતો. આંધીને લઈને શહેરની છેવાડાના વિસ્તાર મધુરમમાં વરસાદના હળવા છાંટા પણ પડયા હતા. જૂનાગઢની સાથે સાથે વિસાવદર, ભેસાણ, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોળ, માણાવદર, માળીયાહાટીના, ચોરવાડ સહિતના વિસ્તારોમાં આંધીએ ધમાસાણ મચાવ્યું હતું. રાત્રે વિસાવદર તેમજ વંથલી પંથકમાં ૩-૩ મીમી વરસાદ નોંધાયો હતો.
આ દરમિયાન આજે સવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન ઘટીને ૨૫ ડિગ્રી થઈ ગયું હતું વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને ૫૮% થયું હતું પવનની પ્રતિ કલાકની ઝડપ ૭.૯ કિલોમીટરની રહી હતી.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
