તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
ટંકારામાં પાણીના ટાંકા, નળીયા, ખાટલા, પતરા, તણખલાની જેમ ઉડયા
દે ધનાધન ૧ ઇંચ : વૃક્ષો ધરાશાયી : ઉનાળુ પાક - નિરણને નુકસાન સર્વત્ર કમોસમી વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ભરાયા : વિજ પુરવઠો ઠપ્પ થયા બાદ મોડી રાત્રે પૂર્વવત

ટંકારા અને ગ્રામ્ય વિસ્તારમાં પડેલ વરસાદ તથા નુકસાન તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : જયેશ ભટ્ટાસણા - ટંકારા)
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૧૪ : મોરબી, વાંકાનેર, ટંકારા સહિતના વિસ્તારોમાં સોમવારે સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો બાદ ભારે પવન સાથે ઠેર ઠેર બરફના કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સતત ભારે વરસાદના કારણે મોરબી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ તેજ પવનના કારણે અનેક જગ્યા વળક્ષો ધરાશાઈ થયા હતા. તેમજ અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. મોરબી શહેરમાં અડધી કલાકમાં જ ૧ ઇંચ વરસાદ નોંધાયો હોવાનું તંત્રએ જણાવ્યું હતું. જ્યારે ટંકારા વાકાનેર ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાની અસર ને પગલે ભારે નુકસાન થયું હતું ઢોર ઢાખરની નિરણ જણસ સહિત ઉનાળુ પાક અને ખેતરોમા વુક્ષો ધરાશાયી થઈ ગયા હતા.
વાવડી રોડ ઉપર એપાર્ટમેન્ટનો ટાંકો અને વાઘપરમાં નળિયા તણખલા માફક હવામાં ઉડી નીચે કાર ઉપર પડ્યા હતા. જ્યારે પંચાસર રોડ ઉપર ખાટલો હવામાં ઉડી વીજ તાર ઉપર અટવાઈ ગયો હતો. જ્યારે ભારે વરસાદના પગલે મોરબીનાં નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. જ્યારે ચાલુ વરસાદે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા પણ થયા હતા.
મોરબી પંથકમાં અનેક સ્થળોએ વળક્ષો ધરાશાયી થયા હતા. જેમાં મોરબીના જેલ રોડ ઉપર વળક્ષ વીજ તાર ઉપર ધરાશાયી થયુ હતું. આ ઉપરાંત વીસી ફાટક અને રેલવે સ્ટેશન વચ્ચે પણ એક વળક્ષ ધરાશાયી થયું હતું. નાગનાથ શેરી પાસે પીપળો ધરાશાયી થયો હતો. જેના કારણે શેરી બંધ થઈ હતી. વીજ વાયર તૂટતા વીજળી ગુલ થઈ હતી. આ સાથે વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠમાં પણ વળક્ષ ધરાશાયી થયું હતું.
શિવપુરમાં રામજી મંદિર ઉપર વીજળી પડી
હળવદ તાલુકાના શિવપુર ગામે આવેલ રામજી મંદિરના શિવાલયના શિખર ઉપર વીજળી પડી હતી. આ વીજળી અર્થિંગના વાયર થકી જમીનમાં ઉતરી ગઈ હતી પણ મંદિરના અંદરના ભાગે ટાઇલ્સ તોડી નાખી હતી.
પવનને કારણે કારખાનાઓના શેડના પતરા ઉડ્યા
મોરબી જિલ્લામાં પવનને કારણે નવાગામ રોડ પર આવેલી પેપર મિલના શેડના પતરા ઉડ્યા હતા. તેમજ માટેલ રોડ, સરતાનપર રોડ, પાનેલી રોડ, હળવદ રોડ સહિતના સિરામિક ઝોનમાં તેજ પવન ફુંકાવાનાં કારણે અમુક કારખાનામાં પતરા ઉડયા હતા.
મોરબીમાં અડધો કલાકમાં એક ઇંચ, વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ
મોરબીમાં ગઇકાલે સાંજના અરસામાં વાવાઝોડા, વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે ઓચિંતો વરસાદ તૂટી પડ્યો હતો. પાલિકા કચેરીના આંકડા પ્રમાણે મોરબી શહેરમાં અડધો જ કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલ માહિતી પ્રમાણે મોરબી સામાંકાંઠે ૮ મિમી, ટંકારામાં ૫ મિમી, માળિયામાં ૯ મિમી અને વાંકાનેરમાં ૧૮ મિમી વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ભરઉનાળે મોરબી જિલ્લામાં ચોમાસા માફક મેઘરાજાએ સટાસટી બોલાવતા લોકો પણ અચંબામાં મુકાઈ ગયા છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
